પોલીસ-ભૂમાફિયાના ત્રાસથી માંડવીના ખંજરોલી ગામે પાટીદાર આગેવાને પોતાની ક્વોરીમાં આપઘાત કરતાં ચકચાર

 

(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૮
ઓલપાડ તાલુકાની જુદી જુદી સહકારી સંસ્થાઓમાં સેવારત સહકારી આગેવાન દુર્લભભાઈ પટેલે માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. તેમને રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, ૪ પોલીસકર્મી સહિત ૧૧ લોકોએ ૨૪ કરોડની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. આ મામલે માંડવી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૪ કરોડની જમીન લખી આપવા માટે છેલ્લા ૮ મહિનાથી હેરાન કરતા હતા. જેથી છેલ્લા ૬ મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું ભરી લીધું હતું.
રાંદેર રોડ ખાતે આવેલી સુર્ય પુર સોસાયટીમાં રહેતા દુર્લભ ગાંડાભાઈ પટેલે પીસાદ ખાતે બ્લોક નંબર ૪ વાળી ૧૦,૨૧૮ ચોરસ મીટર જમીન ૧૭-૦૩-૧૪ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોર કોસિયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ બાદ ઈન્કમટેક્ષનો પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત તારીખ ૨-૧-૨૦૨૦ના રોજ રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનમાં દુર્લભભાઈને બોલાવવા આવ્યા. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈની ચેમ્બરમાં પહેલાથી બેઠેલા હતા તેઓએ નાલાયક ગાળો આપી અમોની પીસાદની જમીન બાબતે તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરી આપવાનું કહેવા સાથે રાતો રાત લખાણ કરાવાયું હતું.
લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ કરી જુદા જુદા માણસો તૈયાર સાટાખત સાથે લઈને ઘરે આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ત્યારબાદ પણ વિવાદ ઊભો રહેતા ૩૦-૦૭-૨૦૨૦ના રોજ પણ પી.આઈ લક્ષ્મણે દુર્લભભાઈ અને તેના દીકરાઓ સાથે ખરાબ વર્તન કરી દસ્તાવેજ કરવા દબાણ કર્યું હતું. તેમણે અવેજની બાકીની રકમની માગણી કરી હતી તો પૈસાનું ભુલી જવાનું કહીને અગાઉ લખાણ કરેલા કાગળોની કોપી આપવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે તેઓ ભારે માનસિક તાણમાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts