બીફ હોવાના શંકાસ્પદ આરોપો સર્જાતાં બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી; લખનૌમાં ૩ યુવકો સામે FIR નોંધાઈ જ્યારે પ્રયાગરાજમાં ૧૨ વેપારીઓ સામે કેસ
(એજન્સી) તા.ર૧
ઉત્તર પ્રદેશના લખનૌ અને પ્રયાગરાજમાં માંસ વિક્રેતાઓ પર બીફ (પ્રતિબંધિત માંસ) વેચવાના આરોપો મૂકીને હંગામો અને હિંસાની ઘટનાઓ સામે આવી છે. લખનૌના ઇટોંજા વિસ્તારમાં ૪૦ વર્ષીય મુસ્લિમ બિરયાની વિક્રેતા રિઝવાન પર ત્રણ યુવકોએ બીફ લઈ જવાનો આરોપ મૂકીને ઘાતકી હુમલો કર્યો હતો. રિઝવાન, જે મહોનામાં આવેલી બડી મસ્જિદ નજીક બિરયાનીનો સ્ટોલ ચલાવે છે, તે જ્યારે પોતાની દુકાન માટે માંસ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે આ ક્રૂરતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટોળું, જેમાં ભગવો ફેંટો પહેરેલો એક વ્યક્તિ પણ સામેલ છે, તે રિઝવાનને ઢસડીને જમીન પર પાડી દઈને લાતો અને મુક્કાથી માર મારી રહ્યું હોવાનું દેખાય છે. આ હુમલામાં મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રિઝવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી સારવાર બાદ રવિવારે સાંજે તેને રજા આપવામાં આવી છે. ઇટોંજા પોલીસે રિઝવાનની ફરિયાદના આધારે રાણા યાદવ, શાનુ અને સૂરજ નામના ત્રણ યુવકો સામે ગુનાહિત ધમકી અને સાપરાધ મનુષ્યવધના પ્રયાસ સહિતની કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધી છે. પોલીસે માંસના સેમ્પલ મેળવી વેટરનરી ઓફિસર પાસે પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ, પ્રયાગરાજના ફૂલપુર વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ માંસ વેચતા સ્થાનિક મુસ્લિમ વેપારીઓ સામે વિરોધ પ્રદર્શન કરીને વાતાવરણ ગરમ કર્યું હતું. જૂના રેલવે ગેટ નજીક આવેલી માંસની દુકાનોમાં બીફ વેચાતું હોવાના આરોપ સાથે બજરંગ દળ અને વી.એચ.પી.ના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જોકે, વેપારીઓએ આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેમની પાસે કાયદેસરના લાયસન્સ છે અને તેઓ બીફ વેચતા નથી. આ ઘટના બાદ પોલીસે ૧૨ માંસ વિક્રેતાઓ સામે ગુનો નોંધીને માંસના સેમ્પલ તપાસ અર્થે લીધા છે. ત્યારબાદ રવિવારે સવારે બજરંગ દળના સભ્યોએ ફૂલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે ૨૪ કલાકની અંદર તમામ દુકાનદારોની ધરપકડ કરવાનું આશ્વાસન આપ્યા બાદ આ પ્રદર્શન પૂરું થયું હતું. બંને વિસ્તારોમાં હાલ શાંતિ વ્યવસ્થા જળવાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.