(એજન્સી) તા.૧૯
સિનિયર એડવોકેટ અને માનવ અધિકાર સંરક્ષક પ્રશાંત ભૂષણના સમર્થનમાં કર્મશીલો, બુદ્ધિજીવીઓ અને સિવિલ સોસાયટીના સભ્યો સંપૂર્ણ જોશ સાથે સંગઠિત થયાં છે. પ્રશાંત ભૂષણના સમર્થનમાં તાજેતરમાં જારી કરાયેલ એક નિવેદનમાં ઓરિસ્સાના કર્મશીલોએ જણાવ્યું છે કે પ્રતિષ્ઠિત સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ દેશમાં માનવ અને નાગરિક અધિકારોના હિમાયતી છે. સુપ્રીમકોર્ટ ખાતે પોતાની ૩૦ વર્ષની વકીલાતની કારકિર્દી દરમિયાન તેમણે ન્યાય માટે નિર્ભીક બનીને અવિરત લડત આપી છે. ભૂષણ જમ્મુ-કાશ્મીરમાં બળજબરીપૂર્વક લોકડાઉન અને દેશમાં કોવિડ મામલે ગેર સંચાલન જેવા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશની સર્વોચ્ચ અદાલતનું ધ્યાન ખેંચીને ભૂષણ સર્વોચ્ચ અદાલતના અઘોષિત અંતરાત્મા-પ્રહરી છે. આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે સુપ્રીમકોર્ટે પોતાના જ આદેશની અવમાનના માટે તેમને દોષી ગણાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યારે સુપ્રીમકોર્ટની જ ટીકાનો મામલો હોય ત્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મટી જાય છે. આ ચુકાદાની વાણી સ્વાતંત્ર પર વિપરીત અસર પડશે અને હવે લોકો સંસ્થા વિરુદ્ધ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં ડરશે. નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમકોર્ટે હંમેશાં એવું ઠરાવ્યું છે કે સુપ્રીમકોર્ટ આલોચના પ્રત્યે બેદરકાર નથી. પરંતુ પ્રશાંત ભૂષણ જેવાના અભિપ્રાયને કાયદાના તાકતવર હાથથી ફગાવી દેવા એ આપણા રાષ્ટ્રના બંધારણીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે કે જ્યાં ન્યાયતંત્ર તમામથી સર્વોપરી છે પરંતુ જવાબદાર અને કાયદા પાલક નાગરિકો માટે આ બાબત અત્યંત ચિંતાજનક છે.