(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.ર૭
સાબરકાંઠાના પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ.ને ફરજમોકુફ તથા ચાર પોલીસ કર્મીઓની અન્ય સ્થળે બદલીને લઇને જનતામાં આક્રોશ જોવાં મળ્યો હતો. જેને લઇને રાજકીય તથા સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને આજે આવેદનપત્ર આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ચાર દિવસ પહેલાં પ્રાંતિજના કતપુર પાસેથી પ્રસાર થતી લાઇનની ગાડી પ્રાંતિજ પી.આઇ. ટી.બી.રાઠોડ તથા તેમની ટીમ દ્વારા પકડી હતી અને તેને છોડવાની ના પાડતાં પ્રાંતિજ પી.આઇ. ટી.બી.રાઠોડ સામે ઉલટી કાર્યવાહી કરી સસ્પેન્ડ અને ચાર પોલીસ કોન્સ્ટેબલોની તાત્કાલિક અસરથી બદલી કરી હતી. જેમાં મદનસિંહ કલ્યાણસિંહની વિજયનગર, માનસિંહ મનવંતસિંહની પોશીના, મુકેશસિંહ લાલસિંહની ખેરોજ તથા રાજેન્દ્રસિંહ કુબેરસિંહની ખેડબ્રહ્મા ખાતે બદલી કરતાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું હતું. પ્રાંતિજ શહેર કોંગ્રેસ સમિતિ, માઈનોરિટી વિભાગ, યુવા ભાજપ સંગઠન, વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળ, ક્ષત્રિય ઠાકોર સેના, પાટીદાર કન્વીનર, માર્ગદર્શક મંડળ તથા ગ્રામજનો દ્વારા અલગ-અલગ રીતે પ્રાંતિજ પી.આઇ. તથા ચાર પોલીસ કર્મીઓના સમર્થનમાં આજે તાલુકા સેવા સદન ખાતે પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીમાં આવેદનપત્રો આપીને સૂત્રોચ્ચાર કર્યાં હતા. પ્રાંતિજ પી.આઇ.ને તાત્કાલિક ફરજ ઉપર હાજર કરવા તથા ચાર પોલીસ કર્મીઓને પરત લાવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જનઆંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.
પ્રાંત અધિકારી તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પાઠવેેલ કોંગ્રેસ માઈનોરિટી વિભાગના આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પ્રાંતિજ શહેરના પી.આઈ. શ્રી ટી.બી.રાઠોડ પ્રાંતિજ શહેરમાં થતાં કોઈપણ વાદ-વિવાદને ખૂબ જ સારી રીતે ‘હેન્ડલ’ કરી પ્રાંતિજમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવી કાર્યશૈલી અપનાવી વિવાદનો સુખદ નિવેડો લાવતા હતા અને દરેક સમાજના વ્યક્તિઓ, રાજકીય તથા સામાજિક આગેવાનોમાં સારી લોકચાહના ધરાવતા હતા ત્યારે તેઓને તથા ૪ પોલીસકર્મીઓને પ્રાંતિજ ખાતે પુનઃ ફરજ ઉપર મૂકવાની લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવેલ છે.