ફ્લેટની દીવાલ ધરાશાયી થતા બાળકનું મોત; ચાર બિલ્ડર સામે પોલીસમાં ફરિયાદ દાખલ

અમદાવાદ,તા.૪
શહેરના નારોલ વિસ્તારમાં આવેલ અતિથિ એવન્યૂમાં દીવાલ ધરાશાયી થવાથી ચાર વર્ષના બાળકના થયેલા મોતના મામલે નારોલ પોલીસે ચાર બિલ્ડર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. મંગળવારે ચાર બાળકો રમી રહ્યાં હતાં ત્યારે દીવાલ ધરાશાયી થઇ હતી, જેમાં તમામ બાળકોને ઇજા પહોંચી હતી, જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. નારોલ વિસ્તારમાં આવેલ અતિથિ એવન્યૂમાં રહેતા વિક્રમ ગોયલે નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર બિલ્ડર વિરુદ્ધમાં બેદરકારીની ફરિયાદ કરી છે. વિક્રમ ગોયલ અતિથિ એવન્યૂમાં પત્ની જ્યોતિ, પુત્રી અનુષ્કા અને પુત્ર અનુજ સાથે રહે છે. મંગળવારના દિવસે વિક્રમ કામ પર ગયા હતા ત્યારે તેમના ફ્લેટમાં રહેતા દિનેશભાઇનો ફોન આવ્યો હતો કે આપણા ફ્લેટની દીવાલ ધરાશાયી થતાં તમારા પુત્ર અનુજ સહિત બે-ત્રણ બાળકોને ઇજા પહોંચી છે. વિક્રમભાઇ તાત્કાલિક એલજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં અનુજની સારવાર ચાલુ હતી અને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અનુજ સિવાય વિશ્વા અવસ્થી, તેની બહેન પ્રાંજલ અવસ્થી (રહે. અતિથિ એવન્યૂ), દિવ્યાંગ પરમારને નાની-મોટી ઇજા પહોંચી હતી.
એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનુજનું મોત થયું હતું. આ મામલે વિક્રમે ગઇ કાલે નારોલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ગુણવંત શાહ, આશીર્વાદ શાહ, આકાશ શાહ અને પરાગ પટેલ વિરૂદ્ધમાં બેદરકારીની ફરિયાદ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts