(એજન્સી) તા.૧૭
જ્યારે ક્રૂઝ પરિવાર પાર્કલેન્ડ ફ્લોરિડામાં પહોંેચ્યું ત્યારે તે એક આદર્શ પરિવાર દેખાતું હતું અને એક વયોવૃદ્ધ યુગલ બે દત્તક લીધેલા બાળકોને ઉછેરી રહ્યું હતું. ત્યાર બાદ પિતા રોઝરનું મૃત્યુ થયું હતું અને બંને છોકરાઓએ પાડોશમાં આતંક મચાવ્યો હતો જે વર્ષો સુધી ચાલ્યો હતો. મોટો ભાઇ નિકોલસ ક્રૂઝ મૂડી હતો અને તેનો મિજાજ ઉગ્ર હતો. ખાસ કરીને પશુ પ્રાણીઓને ટોર્ચર કરવામાં તેને આનંદ આવતો હતો. તેણે પેલેટ ગનથી ખિસકોલીઓને મારી નાખી હતી. તે પાડોશના મેઇલ ચોરી લેતો હતો. તે દરેક બાળક સાથે સતત ઝઘડા કરતો હતો. એક વખત એક બાળકનો કાન કરડી ખાધો હતો. તે માલમિલકતને નુકસાન પહોંચાડતો હતો. પડોશીઓએ જણાવ્યું હતું કે તેઓ સતત પોલીસને બોલાવતા હતા. તેના લાંબા સમય પાડોશી તરીકે રહેલ માલકમ રોઝબર્ગે જણાવ્યું હતું કે તે મગજનો ફરેલો હતો. ગયા વર્ષે શિસ્ત ભંગની કાર્યવાહી કરીને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. દરમિયાન તેની માતાનું પણ મૃત્યુ થયંુ હતું. તે એક મિત્રના ઘરે રહેતો હતો અને તેનામાં ડિપ્રેશનના લક્ષણ દેખાતા હતા. ૧૯ વર્ષની ઉમરે ક્રૂઝને બંદૂકનું વળગણ અને ઘેલછા હતી. તેની પાસે એઆર-૧૫ એસોલ્ટ સ્ટાઇલ રાઇફલ હતી. તેનું જીવન મુશ્કેલ હતું. ક્રૂઝને ઓળખાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ તેના માટે વિચિત્ર એવો શબ્દ વાપરતા હતા. તેનો સ્વભાવ વધુને વધુ વિચિત્ર થતો જતો હતો. તેની સાથે અભ્યાસ કરનાર ડકોટા મુચલરે જણાવ્યું હતું કે તે ચપ્પા પણ રાખતો હતો. તે ઇન્સ્ટાગ્રામ પર બંદૂકો અને મૃત પશુઓને પોસ્ટ કરતો હતો. તે મારી એક ફ્રેન્ડની પાછળ પડી ગયો હતો. આમ તે વેરની ભાવના સાથે મારજોરી સ્ટોનમેન ડગ્લસ હાઇસ્કૂલ આવ્યો હતો. તેના હાથમાં એઆર-૧૫ એસોલ્ટ રાઇફલ હતી અને આડેધડ ગોળીબાર કરીને ૧૭ વિદ્યાર્થીઓને ઢાળી દીધા હતા અને ૧૫ને ઘાયલ કર્યા હતા. હત્યાના પૂર્વયોજિત કાવતરાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે.