બંગાળના જંગલમહાલમાં મુસ્લિમ ફેરિયાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા : પરિવારે ‘મુસ્લિમ વિરોધી નફરત’ને જવાબદાર ગણાવી, પોલીસે કોમી ઘટના હોવાનું નકાયું

સ્થાનિક ગ્રામજનોનો દાવો : ‘શેરીઓમાં ફરીને વેપાર કરવો મુશ્કેલ બન્યો છે અને અવારનવાર હેરાનગતિ થાય છે’; પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી

(એજન્સી) પુરૂલિયા, તા.૧૩
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક મુસ્લિમ ફેરિયા (સ્ટ્રીટ હોકર)ની કુહાડી અને કટારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ તાજેતરના સમયમાં બંગાળમાં ફેલાયેલું મુસ્લિમ વિરોધી નફરત અને ભયનું વાતાવરણ જવાબદાર છે. જો કે, સ્થાનિક પોલીસે આ ઘટનામાં કોઈપણ પ્રકારની ધાર્મિક કે કોમી નફરત હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. મૃતક અકબર મોંડલ (૪૭ વર્ષ) પાડોશી જિલ્લા બાંકુરાના પુનિસોલ ગામના રહેવાસી હતા અને પુરુલિયાના બાંદવાન વિસ્તારમાં સ્ટીલના વાસણો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ૯ જૂનના રોજ સવારે જ્યારે તેઓ સુપુરડીહી ગામમાં પોતાની હાથલારી લઈને વાસણો વેચી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક એક ઘરમાં ખેંચી જવામાં આવ્યા હતા. મૃતકના ૨૦ વર્ષીય પુત્ર ઝુલ્ફિકારે જણાવ્યું કે, ઘરમાં એક અજ્ઞાત વ્યક્તિએ પહેલા અકબરને લાકડીથી માર માર્યો અને જ્યારે તેમણે બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર કુહાડી અને કટાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બાંદવાન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યા બાદ જ્યારે ઝુલ્ફિકાર હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે તેના પિતાનું માથું ફાટી ગયું હતું અને આખું શરીર લોહીલુહાણ હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ લાવવામાં આવે તે પહેલાં જ અકબર મોંડલનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્ર ઝુલ્ફિકારે આરોપ લગાવતા કહ્યું કે, “કેટલાક લોકો માત્ર અમારી દાઢી જોઈને અમને પરાણે ‘જય શ્રી રામ’ બોલવા મજબૂર કરતા હતા. તેઓ ધમકી આપતા હતા કે હવે અમને અહીં ફેરિયા તરીકે કમાણી કરવા દેવામાં આવશે નહીં. ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી અહીં ભયનું વાતાવરણ ઊભું થયું છે અને અમે સતત ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.” ગામના વડીલ ખેલાપોત હુસૈન મોંડલે જણાવ્યું કે, “અમારા ગામના લોકો છેલ્લા ૧૪ વર્ષથી કોઈ પણ મુશ્કેલી વિના ત્યાં ફેરી કરતા હતા, પરંતુ હવે મુસ્લિમો પર હુમલા વધી ગયા છે. અમે ગરીબ મજૂર વર્ગના લોકો છીએ અને દરરોજ ચિંતા સાથે કામ પર નીકળીએ છીએ.” પુરૂલિયાના પોલીસ અધિક્ષક (SP) વૈભવ તિવારીએ જણાવ્યું કે, આ ગુનાના સંબંધમાં આરોપી વિશ્વનાથ મહાતોની ધરપકડ કરવામાં આવી છે અને આ હત્યા મહાતોના ઘરની અંદર જ થઈ હતી. એસપીએ ઉમેર્યું કે, “આ હત્યા કેમ થઈ તે અંગે હજુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, તે કોઈ ઝઘડાનું પરિણામ હોઈ શકે છે. હાલના તબક્કે, આ ઘટનામાં ધાર્મિક અથવા કોઈ કોમી નફરત સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.” અકબર મોંડલનો પાર્થિવ દેહ જ્યારે તેમના ગામ પુનિસોલ લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ યાદ કર્યું કે થોડા મહિના પહેલા જ આ જ ગામના અન્ય એક ફેરિયા પર બાંકુરા શહેરમાં ‘જય શ્રી રામ’ બોલવાનો ઇન્કાર કરવા બદલ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટના બાદથી જ સ્થાનિકોમાં ડર હતો અને હવે અકબરની હત્યાએ તે ચિંતા વધુ ઘેરી બનાવી દીધી છે. મૃતક અકબરના મોટા ભાઈ નૂરમોહમ્મદ મોંડલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “પુરુલિયામાં કામ કરતા ઘણા ફેરિયાઓ ડરના માર્યા ઘરે પરત ફરી રહ્યા છે. પરંતુ આ નાના ગામમાં કોઈ કામ નથી. તમે જ કહો, અમે કેવી રીતે જીવીએ?” અકબરના અવસાનથી તેમનો પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks