અમદાવાદ, તા.૧૭
દેશના નિસ્બત ધરાવતા નાગરિકો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોના દેશની સર્વોચ્ચ અદાલતમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તે બાબતના આઘાતજનક બયાનથી અત્યંત દુઃખી છીએ. અમે આ ન્યાયાધીશોને અખબારી પરિષદના માધ્યમથી જનતા સન્મુખ અભૂતપૂર્વ, હિંમતભર્યા પગલાં થકી ન્યાયપ્રણાલિને વિપરીત અસર પહોંચાડતા અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની કચેરી તથા સ્વતંત્ર વડી અદાલતોને પ્રભાવિત કરનારા વલણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટે બિરદાવીએ છીએ. મુખ્ય ન્યાયાધીશ દ્વારા ન્યાયાધીશોની બેંચોની રોસ્ટર પ્રથા નક્કી કરવામાં, દેશ માટે બંધારણને દૂરગામી અસરો પહોંચાડતા કેસો પોતાને મનગમતા ન્યાયાધીશોને સોંપવા અને નોટબંધી, આધારકાર્ડ વિગેરે જેવા કેસો જેના થકી બંધારણની નિષ્ઠા, પ્રમાણિકતા ઉપર અણગમતી અને અનિચ્છનીય અસરો અને કુશંકા જાગે તેને મુલત્વી રાખવાના વલણ, પ્રસ્થાપિત પ્રણાલિકા અને માન્યતાની અવગણના વિગેરે વખોડવા પાત્ર છે જે હકીકત ન્યાયાધીશોએ સ્પષ્ટપણે જણાવેલ છે તે ઉપરથી ફલિત થાય છે એમ લોકશાહી બચાવો આંદોલન દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવાયું છે કે, આ ઉચ્ચતમ ન્યાયાધીશોના પક્ષે ભારતના લોકો સમક્ષક સાચું બોલવાની નીડરતા જેવા અભૂતપૂર્વ પગલાં, ન્યાયપ્રિયતાની આપણી પ્રણાલિને ગહનપણે ઉજાગર કરે છે. અદાલતોની કાર્યવાહીમાં સરકારનો રાજકીય આભાસ જન્માવતો ઈરાદો બંધારણ ઉપર અંદર અથવા બહારથી પ્રત્યક્ષ પ્રહાર કરવાનું, એ અત્યંત ભયંકર સમસ્યાને પ્રગટ કરે છે. આના કારણે દેશની સર્વોચ્ચ અદાલતની સત્તા, પ્રમાણિકતા, નિષ્પક્ષતા અને કાયદેસરતાની છબિ ખરડાશે. ભારતના બંધારણના રક્ષણ કાજે સર્વોચ્ચ અદાલત એ સહુથી મહત્ત્વની સંસ્થા છે અને અંદર અથવા તો બહારથી તેના ઉપરનો હુમલો નિંદનીય છે. એક ટાણે ઘોષિત કટોકટીની વેળાએ ઈન્દિરા ગાંધીએ ન્યાયપ્રણાલિની સ્વતંત્રતા ઉપર ઘાત લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં વર્તમાન સરકાર, એક પછી એક તમામ બંધારણીય સંસ્થાઓનો નાશ કરવા માંગે છે અને હવે સર્વોચ્ચ અદાલતને નષ્ટ કરવાનો પ્રયત્ન, એ ‘‘અઘોષિત કટોકટી’’નો શાસ્ત્રીય નમૂનો છે. સર્વોચ્ચ અદાલત એ લોકતંત્ર અને સ્વતંત્રતાનો અંતિમગઢ છે અને તેથી તેને અવગણવાનું એ સર્વોચ્ચ અદાલત ઉપરનો અત્યંત હિન હુમલો છે. અખબારી પરિષદ યોજના માટે આ વરિષ્ઠ જજોની ટીકા કરવાને બદલે, લોકતંત્ર અને બંધારણ સામેના આ વ્યાપક ‘‘ભય’’ને જાહેરમાં અભિવ્યક્ત કરવા માટે તેમના આભારી રહેવું જોઈએ. લોકોએ એ યાદ રાખવું ઘટે છે કે આ કોઈ આંતરિક યા તો બાહ્ય પણે નાથવાની બંધારણીય કટોકટી નથી પરંતુ લોકો અને બંધારણને પ્રભાવિત કરતી ગંભીર કટોકટી છે. આપણે ભારતવાસીઓ માટે સમય પાકી ગયો છે કે ન્યાયપ્રણાલિની ‘‘રાજકીય સત્તાકીય જોહુકમી’’ સામે રક્ષણ આપવા માટે સહુએ ઉપરોકત ન્યાયાધીશોની પડખે ઊભા રહેવું પડશે એમ લોકશાહી બચાવો આંદોલનના ગિરિશભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ઈન્દુકુમાર જાની, ગૌતમ ઠાકર, પ્રકાશ ન.શાહ, રોહિત શુક્લ, રજની દવે, પ્રા.હેમંતકુમાર શાહ, મહેશ પંડ્યાએ એક યાદીમાં જણાવ્યું છે.