અમદાવાદ, તા.૩૧
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ સહિતના સભ્યોની ટીમે બુધવારે રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળીને રજૂઆત કરી હતી કે અઢી વર્ષથી તે બંધારણમાં આપેલી શક્તિઓ મુજબ પોતાની ફરજો પૂરી કરવાના કાર્ય કરી રહ્યા છે અને ગુજરાતના લોકોની સંવેદનશીલતા અને અવાજ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. પરંતુ ગુજરાત સરકાર અમને આ કાર્ય કરતા રોકી રહી છે. બંધારણ મુજબ અમારા વાણી સ્વાતંત્ર્યના અધિકારને સરકારના પ્રમુખ રોકી રહ્યા છે. તેથી અમારી માંગ છે કે તમે રાજ્યપાલ તરીકે સરકારને યોગ્ય સુચના આપો કે ગુજરાતના કોઈ પણ નાગરિકની પ્રત્યે જુલમ અને દ્વેષ ભાવ રાખવામાં ના આવે તેમજ ખોટા કેસ કરીને અમારા અવાજને દબાવવામાં ના આવે. હાર્દિક પટેલ સહિતની પાસની ટીમે રાજ્યપાલને મળીને લેખિતમાં કરેલી રજૂઆતમાં ન્યાય માટે બંધારણીય અધિકાર આપવા મામલે ૧૬ મુદ્દાઓને લઈને રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં તમામને પોતાની વાત મૂકવાનો પૂરેપૂરો અધિકાર છે પરંતુ આ સરકાર તેનું ઉલ્લંઘન કરે છે. દરરોજ એક નવો કેસ કરીને અમારી ‘પાસ’ સંસ્થાને હેરાન કરવામાં આવે છે. અમને જેલમાં નાંખવાનું પૂરું ષડયંત્ર આ ભાજપ સરકાર રચી રહી છે. રાજ્યપાલ તરીકે તમે આ સરકારને શપથ લેવડાવી હતી કે આ સરકાર કોઈની સાથે અત્યાચાર નહીં કરે અને દ્વેષભાવ નહીં રાખે. પરંતુ મુખ્યમંત્રી ખુદ પોતે લીધેલી શપથ અનુસાર વર્તતા નથી. રાગ અને દ્વેષયુક્ત વર્તન કરી રહ્યા છે એટલે તેઓ બંધારણનો ભંગ કરી રહ્યા છે. આવા ૧૬ મુદ્દાઓને આ રજૂઆતમાં આવરી લેવાયા છે.