અમદાવાદ, તા.૯
બંધારણીય અધિકારો, તેની વાસ્તવિકતા અને આપણા પ્રતિભાવો વિષય ઉપર પીપલએસજે પ્રોગ્રામ હેઠળ એક દિવસીય સેમિનારનું આયોજન ૯ જાન્યુઆરી ર૦૧૮ના રોજ હીરક મહોત્સવ હોલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં માનવ અધિકાર માટે સતત લડત આપતા સામાજિક કાર્યકર્તા હિમાંશુ કુમાર (દંતેવાડા, છત્તીસગઢ) અને ગુજરાતના જાણીતા ન્યાયવિદ ડો.જ્યોત્સનાબેન યાજ્ઞનિક (રિટાયર્ડ પ્રિન્સિપલ જજ, સિટી સિવીલ તથા સેશન કોર્ટ, અમદાવાદ) હાજર રહીને પોતાના મંતવ્ય અને વર્તમાન પરિસ્થિતિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. સેમિનારમાં મહેમાનો દ્વારા પોતાના વિચારો, તેમના અનુભવો અને ખુલ્લી ચર્ચાના માધ્યમથી વિષય સંબંધિત સ્પષ્ટ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હિમાંશુકુમારે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દેશના દરેક નાગરિકને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વ માટેના સમાન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા અમુક સમયથી આપણી આસપાસ અને દેશના જુદા-જુદા ભાગોમાં જે ઘટનાઓ બની રહી છે તે ગંભીર ચિંતાનો વિષય છે. ક્યાંક ગૌરક્ષાના નામે લોકોની હત્યા કરવામાં આવી રહી છે, તો ક્યાંક છાપાઓમાં લખનારા લેખકોની હત્યા થઈ રહી છે. ગુજરાત, છત્તીસગઢ અને ઝારખંડ ઉપરાંત અન્ય આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં પોતાની જમીનને બચાવવા માટે અવાજ ઉઠાવવામાં આવતા આદિવાસીઓ અને ખેડૂતોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા, તેમનું શોષણ કરવામાં આવ્યું, ત્યાં સુધી કે કેટલીક વખત તેમને નકસલી કહીને ગોળીથી વીંધી નાંખવામાં આવ્યા, દંતેવાડા (છત્તીસગઢ)ના આદિવાસી શિક્ષિકા સોની સૂરી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે બંધારણની મૂળ ભાવનાના પરિપ્રેક્ષ્યમાં બંધારણીય અધિકાર, અને અધિકારોની વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર ઊભું થયેલું છે જે બાબતને ઘનિષ્ઠ રીતે સમજવી અને તેનું અમલીકરણ થાય તે ઘણું મહત્ત્વનું અને અગત્યનું બની ગયું છે ત્યારે તે બાબતને વધુ ઊંડાણપૂર્વક સમજવા ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી અને સમાન વિચારધારા ધરાવતી સંસ્થાઓના ૧૮૦-ર૦૦ જેટલા પ્રતિનિધિઓ અને કર્મશીલો આ સેમિનારમાં સહભાગી થયા હતા એમ એક યાદીમાં જણાવાયું છે.