(એજન્સી) નવી દિલ્હી, તા.ર
કેન્દ્ર સરકારના બજેટને મુસ્લિમ બુદ્ધિજીવીઓએ વખોડી કાઢયું છે. મોદી સરકારના બજેટમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ને બદલે રોકાણકારો અને કેટલાક ખાસ વિભાગોને લાભકારક હોવાનો મુસ્લિમ બુદ્ધિજીવીઓએ આરોપ મૂકયો છે. બુદ્ધિજીવીઓના જણાવ્યા મુજબ નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ર૦૧૮-૧૯માં અલ્પસંખ્યકો અને એમાં પણ ખાસ કરીને મુસ્લિમોને પ્રત્યક્ષ રીતે નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ બજેટમાં મુસ્લિમોનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. મોદી સરકારના બજેટમાં મુસ્લિમ સમુદાય માટે રાહતનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં ન કરાયો જે દેશના નિર્માણ તેમજ વિકાસ માટે ગંભીર બાબત છે. મોદી સરકારના બજેટ પર સાંસદ મૌલાના અસરારૂલ હક કાસમીએ તીવ્ર પ્રહાર કર્યા હતા અને અરૂણ જેટલી દ્વારા રજૂ કરાયેલ બજેટને શાયરીના અંદાજમાં વખોડ્યો હતો. તેમણે લખ્યું ‘બહુત શોર સુનતે થે પહલુ મેં દિલ કા – જો ચીરા તો એક કતરા ખૂન ન નિકલા’. એમણે જણાવ્યું કે બજેટમાં મુસ્લિમોનો ઉલ્લેખ સુદ્ધાં કરાયો નથી જે ખૂબ જ અફસોસજનક પગલું છે. સંબંધિત મંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરવા દરમિયાન મુસ્લિમોનું નામ લેવું પણ જરૂરી સમજ્યું નહીં. ઈસ્લામિક સ્કોલર પ્રોફેસર અખ્તરૂલ વાસેએ મોદી સરકારના બજેટ અંગે પ્રતિક્રિયાનો સ્વીકાર કરતાં કહ્યું કે, કોઈ પણ સમૃદ્ધ સમાજમાં લઘુમતીઓ અને મહિલાઓ સાથે સકારાત્મક વલણ અપનાવવામાં આવે તેને સારી સરકાર માનવામાં આવે છે.