ગાંધીનગર, તા.રપ
શહેરમાં ચોમાસાના સામાન્ય વરસાદની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, તેમાંય ટ્રાન્સપોર્ટની હડતાળનું એક વધુ કારણ ઉમેરાતાં ટામેટાંના ભાવ લાલ ચોળ થયા છે તો વ્રત શરૂ થતાં જ અને શ્રાવણ પહેલાં જ બટાકાના ભાવમાં પણ ભડકો થયો છે. રૂ.૨૦ કિલો મળતા બટાકાના ભાવ ડબલ થઈને ૪૦ પહોંચ્યા છે તો ડુંગળી પણ પાછળ નથી. ડુંગળીના ભાવ રૂ.૪૦ અને ટામેટાંના ભાવ રૂ.૮૦ પ્રતિકિલો થયા છે જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. વ્રત અને ઉપવાસની સિઝનમાં ફળોના ભાવ પણ આસમાને છે. સો વખત વિચારીને ખરીદી કરવી પડે તેવી હાલત ગૃહિણીઓની છે. ફ્રૂટની આવક ઓછી અને માગ વધુ રહેવાના કારણે સફરજનનો ભાવ રૂ.૨૦૦થી શરૂ કરીને ૩૦૦ સુધી છે. પ્લમ પ્રતિકિલો રૂ.૨૦૦, જરદાળુ પ્રતિ ૮૦૦ ગ્રામ પેક રૂ.૨૦૦, દાડમ રૂ.૧૫૦ અને કેળાં ડઝનના રૂ.૫૦, ખારેક જે રૂ.૮૦ પ્રતિકિલો મળતી હતી તેના ભાવ વધીને રૂ.૧૨૦થી ૧૮૦ થયા છે. તોતા કેરી ૫૦થી વધીને રૂ.૭૦ અને પપૈયાં રૂ.૪૦ પ્રતિકિલોથી વધીને ૬૦ થતાં વ્રત કરતી બાળાઓને ફ્રૂટ ખાવું પણ મોંઘું થઈ પડ્યું છે. વધુ વરસાદે લીલાં શાકભાજી બળવા લાગે છે. શાકભાજીના ભાવ અત્યારે આસમાને છે. કોઈ પણ શાક રૂ.૧૦૦ પ્રતિકિલો વેચાઈ રહ્યું છે ત્યારે સામાન્ય વર્ગ બટાકા, ડુંગળી અને ટામેટાંને લીલાં શાકભાજીના વિકલ્પમાં ઉપયોગમાં લે છે, પરંતુ હવે એ પણ મોંઘાં થતાં ગૃહિણીઓની હાલત ખરાબ થઈ છે. અમદાવાદ હોલસેલ માર્કેટમાં શાક હાલમાં ઓછું આવી રહ્યું છે. હરાજીમાં ઊંચી બોલી લાગે છે. શાક બગડી જવાનું પ્રમાણ વધ્યું છે. ફ્રૂટની આવક પણ ઓછી થઈ છે.