અમદાવાદ,તા. ૨૨
રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની અને ૧૭ તાલુકા પંચાયતોની ગઇકાલે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. બંને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના નિયત મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે નવ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. સંભવતઃ બપોર સુધીમાં પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ જવાની શકયતા છે. બીજીબાજુ, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોના આવતીકાલના પરિણામને લઇ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઇન્તેજારી અને ઉત્સુકતાનો માહોલ છવાયો છે.તો બીજીબાજુ, આવતીકાલની મતગણતરીને લઇ વિવિધ મતગણતરી કેન્દ્રો ખાતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત તંત્ર દ્વારા તૈનાત કરી દેવાયો છે. ગઇકાલે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ગ્રામ્ય વિસ્તારના મતદારોએ જો કે, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જેટલો ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ એકંદરે સરેરાશ મતદાન નોંધાયું હતું. ગઇકાલે બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકા પંચાયત-૭ હડાદ બેઠક માટેના કુલ સાત મતદાનમથકો પર ઇવીએમના લેબલ મતપત્રમાં ઉમેદવારોના પ્રતીક છાપવામાં થયેલ ભૂલના કારણે મતદાન રદ કરાયું હતું, આ મતદાનમથકો પર આજે પુનઃ મતદાન યોજાયું હતું. ચૂંટણી અધિકારી દ્વારા જે તે ઉમેદવાર અને તેમના એજન્ટની હાજરીમાં ઇવીએમના સીલ ખોલીને મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલની મતગણતરીને લઇ તમામ કેન્દ્રો પર તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.