(એજન્સી) તા.૧૧
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ (DPCC)ના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવના નેતૃત્ત્વમાં યુપીના બરેલીમાં ૪૦ વર્ષીય દલિત વ્યક્તિ હરિ ઓમ વાલ્મીકીની કથિત મોબ લિંચિંગ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)માં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનાને ‘માનવ અધિકારો પર ઘોર હુમલો’ ગણાવતા, કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કમિશનને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને દલિતો અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સામે અત્યાચાર અટકાવવા માર્ગદર્શિકા ઘડવા વિનંતી કરી.આ પ્રતિનિધિમંડળ NHRC સભ્ય ન્યાયાધીશ ડૉ. બિદ્યુત રંજન સારંગીને મળ્યું હતું, જેમણે યાદવના મતે, ફરિયાદને ધીરજપૂર્વક વાત સાંભળી અને યોગ્ય કાર્યવાહીનું વચન આપ્યું હતું.યાદવે કહ્યું કે, આ ઘટનાએ ફરી એકવાર ગુંડાઓ દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારોનો પર્દાફાશ કર્યો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં. તેમણે યુપી સરકાર પર ઝડપી કાર્યવાહી કરવાને બદલે દોષિતોને બચાવવાનો આરોપ લગાવ્યો.ડીપીસીસીના વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું હોવા છતાં ‘દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર હજુ પણ તેમની સ્વતંત્રતા અને ગૌરવને મર્યાદિત કરવાના હેતુથી બેલગામ હુમલાઓ થઈ રહ્યા છે.’ તેમણે ઉમેર્યું કે, “દેશ ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવી બર્બર ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક છે. જ્યારે સમાજનો એક મહત્ત્વપૂર્ણ વર્ગ ભય અને તાબેદારી હેઠળ જીવે છે ત્યારે કોઈ પણ દેશને ખરેખર વિકસિત ગણી શકાય નહીં.”કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પોતાની ફરિયાદમાં દલિતો અને લઘુમતીઓ સામે હિંસાની અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રોહિત વેમુલા, અખલાક, પેહલુ ખાનના મૃત્યુ અને હાથરસ અને ઉન્નાવમાં મહિલાઓ પરના હુમલાનો સમાવેશ થાય છે અને કહ્યું હતું કે, આવા કૃત્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાય છે.પાર્ટીએ એનએચઆરસીને સત્ય ઉજાગર કરવા અને જાહેર વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે બરેલીની મુલાકાત લેવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ ટીમ મોકલવા વિનંતી કરી છે.યાદવ ઉપરાંત, પ્રતિનિધિમંડળમાં ડીપીસીસીના કાનૂની અને માનવ અધિકાર વિભાગના અધ્યક્ષ સુનિલ કુમાર, ઘણા વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓનો સમાવિષ્ટ હતા.