અમદાવાદ,તા. ૧૭
શહેરના પાલડી, વાસણા, સરખેજ સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી એકટીવા અને બાઇક ચોરી કરતા અઠંગ વાહનચોર આરોપી ઇબ્રાહીમ ઉર્ફે અભુ ઉર્ફે ભજીયો યુનુસભાઇ મલેકને શહેર ક્રાઇમબ્રાંચે આજે જૂહાપુરા વિસ્તારમાં હાજીબાવાની કૂઇ ત્રણ રસ્તા પાસેથી એક ચોરીના એકટીવા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે વાહનચોરીના અન્ય ૧૩ ગુનાઓની કબૂલાત કરતાં ક્રાઇમબ્રાંચે વાહનચોરીના કુલ ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.૬.૫૦ લાખની કિંમતના કુલ ૧૩ નંગ વાહનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેર ક્રાઇમબ્રાંચે આજે બાતમીના આધારે આરોપી ઇબ્રાહીમ ઉર્ફે અભુ ઉર્ફે ભજીયો યુનુસભાઇ મલેકને ચોરીના એકટીવા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી કોઇપણ બાઇકનું સ્ટીયરીંગ લોક તોડી વાયરીંગ ડાયરેકટ કરી બાઇક ચાલુ કરી ચોરી કરી પલાયન થઇ જતો હતો. ચોરી કરેલા બાઇક અને એકટીવા તે વેચી મારતો હતો અને તેમાંથી જે પૈસા મળે તે મોજશોખ માટે વાપરતો હતો. તેણે મોજશોખના ઇરાદે જ વાહનચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આરોપી ઇબ્રાહીમ પાસેથી તેણે અત્યારસુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આચરેલા વાહનચોરીના ગુના સંબંધી જાણકારી મેળવી વાસણામાં ત્રણ, પાલડીમાં પાંચ અને સરખેજમાં પાંચ મળી કુલ ૧૩ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આરોપીએ અગાઉ ૨૦૧૬માં સારંગપુર હનુમાન મંદિર પાસેથી એક બાઇકની ચોરી કરી હતી અને તે ગુનામાં તે ધંધુકા પોલીસના હાથે પકડાયો હતો અને તેને બોટાદ પોલીસને પણ સોંપાયો હતો. પોલીસે આરોપી સાથે વાહનચોરીના આ સમગ્ર ગુનાહિત ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને તે કોને કોને ચોરીના વાહનો વેચતો હતા.