(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ શહીદી કેસનો ચુકાદો આપનારા જજને સેવાનિવૃત્તિ બાદ પણ સુરક્ષા પૂરી પાડવા માટેની એક અરજી ફગાવી દીધી છે. જજ એસકે યાદવે સુરક્ષા ચાલુ રાખવા માટે પોતે ટોચની અદાલતના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે સુરક્ષા આપવાનો ઇન્કાર કરી દીધો છે. જજ એસકે યાદવે બાબરી શહીદી કેસમાં ભાજપના નેતાઓ સહિત તમામ આરોપીઓને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત અનેક દિગ્ગજ નેતાઓ આરોપી હતા. અદાલતે કહ્યું કે, સેવાનિવૃત્તિ બાદ પણ સતત સુરક્ષા પૂરી પડાઇ શકાય નહીં. લખનઉ સ્પેશિયલ કોર્ટના જજ એસકે યાદવે સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરીને સુરક્ષાની માગણી કરી હતી. જજ એસકે યાદવે પોતાના અંતિમ કેસની સંવેદનશીલતાને જોતાં પોતાની અંગત સુરક્ષા ચાલુ રાખવાની માગણી કરી હતી. આ પહેલા ટ્રાયલ દરમિયાન જજે સુપ્રીમ કોર્ટ પાસેથી સુરક્ષા પૂરી પાડવાની માગણી કરી હતી. જેને અદાલતે સ્વીકાર કરી હતી. અદાલતે યુપી સરકારને સુરક્ષા આપવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, ચુકાદો આવવા અને અને નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટે જજને સુરક્ષા રાખવાનો ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જિદ શહીદી કેસમાં આ ચુકાદો આશરે ૨૮ વર્ષ બાદ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આવ્યો હતો. બાબરી મસ્જિદ શહીદી કેસની સુનાવણી કરતા જજ એસકે યાદવ પાછલા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે જ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમંનો કાર્યકાળ વધારી દીધો હતો. સુપ્રીમે એપ્રિલ ૨૦૧૭માં બે વર્ષની અંદર કેસ અંગે ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ત્રણ વખત સમય વધારાયો હતો અને છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ની અપાઇ હતી. ઘટનાની પ્રથમ ફરિયાદ નંબર ૧૯૭ એજ દિવસે ૬ ડિસેમ્બરે રામ જન્મભૂમિ ફૈઝાબાદ પોલીસ મથકમાં દાખલ થઇ હતી.