યુપીના બિજનૌરમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કરવા બદલ પોલીસે એક કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી, જ્યારે કોન્સ્ટેબલના અન્ય મિત્રો ફરાર છે, જેમની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે
(એજન્સી) બિજનૌર, તા.૭
ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાના નહતૌર પોલીસ સ્ટેશને એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કારના આરોપમાં એક્સાઇઝ વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. પીડિતાનો આરોપ છે કે, આરોપી કોન્સ્ટેબલે તેના મિત્રો સાથે મળીને એક પછી એક તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપીની ઓળખ શુભમ તરીકે થઈ હતી.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ૨૦૧૫માં આરોપી શુભમને મળી હતી. ત્યારથી આરોપી તેની સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધતો હતો. આ સમય દરમિયાન જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તે તેને બિજનૌરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને ૨૨ મે ૨૦૨૩ના રોજ તેનો ગર્ભપાત કરાવ્યો.
પીડિતાએ જણાવ્યું કે, બંને અલગ-અલગ જાતિના હોવાથી સમાજના ડરથી ૨૬ મે ૨૦૨૩ના રોજ આર્ય સમાજના મંદિરમાં તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શુભમનો પરિવાર આ લગ્નથી ખુશ નહોતો. બાદમાં તેઓએ તેણીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ પછી શુભમ તેને પોતાની સાથે બુલંદશહેર લઈ ગયો, જ્યાં તે એક્સાઈઝ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. બંનેએ એક હોટલમાં રૂમ લીધો અને પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા.
મિત્રો સાથે એક પછી એક બળાત્કાર કર્યો :
પીડિતાનો આરોપ છે કે, આરોપી શુભમે પરિવારના સભ્યોના પ્રભાવ હેઠળ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને ભારે દહેજની માંગણી કરી હતી. જ્યારે તેણીએ તેના મામાના ઘરેથી દહેજ લાવવાનો ઇનકાર કર્યો, ત્યારે શુભમે તેના મિત્રો મુકુલ અને શહેઝાદ સાથે મળીને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.