(એજન્સી) સિવાન, બિહાર, તા.૨૭
બિહારના સિવાન જિલ્લામાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા મદ્રેસાના બે વિદ્યાર્થીઓ બે દિવસમાં જ મૃત હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે સિવાન અને પડોશી ગોપાલગંજ જિલ્લામાં આક્રોશ અને આઘાત ફેલાયો છે. તેમના પરિવારોને શંકા છે કે ખેતરમાંથી શેરડીના સાંઠા તોડવાની કથિત ઘટના બાદ બાળકોની હત્યા કરવામાં આવી હતી. બીજા ગુમ થયેલા વિદ્યાર્થી, અશરફ અલીનો મૃતદેહ ગુરૂવારે ગોપાલગંજ જિલ્લાના થાવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. તેનો મૃતદેહ ઉદંત રાય કા બંગરા અને હરપુર વચ્ચેના કાદવવાળા વિસ્તારમાં એક ઇંટના ભઠ્ઠા પાસેથી મળી આવ્યો હતો. અગાઉ બુધવારે ૧૪ વર્ષીય મોહમ્મદ ઝૈદ અલીનો મૃતદેહ બંગરા પાંડે ટોલીમાં એક તળાવ પાસેના કાદવવાળા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ૪૮ કલાકની અંદર બંને મૃતદેહો મળી આવવાથી ગંભીર ચિંતા ઊભી થઇ છે, ખાસ કરીને મૃતદેહો પર ઇજાના નિશાન મળી આવ્યા હોવાના અહેવાલો બાદ પરિવારોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. ઝૈદનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે અશરફની શોધખોળ તેજ કરી હતી. ડ્રોન કેમેરા અને ડોગ સ્ક્વોડની મદદથી કાદવવાળા અને દુર્ગમ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અશરફ આખરે ગુરૂવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે અસલમ કુરેશીનો પુત્ર અને સિવાન જિલ્લાના બરહરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરાની બજારનો રહેવાસી હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ સિવાનની એક મદ્રેસાના પાંચ વિદ્યાર્થીઓ ૨૩ નવેમ્બરે દાન એકત્ર કરવા માટે ઓટો-રિક્ષામાં ગોપાલગંજ ગયા હતા. થાવે પોલીસ સ્ટેશન વિસ્તારના બંગરા ગામ પાસે તેમનું વાહન કથિત રીતે બગડી ગયું હતું. ત્યારબાદ ચાર વિદ્યાર્થીઓ શેરડી તોડવા માટે નજીકના ખેતરમાં ગયા હતા. ખેતરના માલિકે તેમને શેરડી તોડતા કથિત રીતે પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ મોહમ્મદ ઝૈદ અલી અને અશરફ અલી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારોની ફરિયાદોના આધારે થાવે પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. બંને વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવવાથી સંપૂર્ણ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણીઓ તેજ બની છે. તેમના મૃત્યુના ચોક્કસ સંજોગો અને કારણ હજુ સુધી સ્થાપિત થયા નથી અને પોલીસ તપાસ ચાલી રહી છે.