(એજન્સી) પટના, તા.૨૧
બિહારના રસુલપુર હબીબ ગામમાં ૨૨ વર્ષીય યુવતી ગુલનાઝ ખાતૂનને જાતીય છેડછાડનો વિરોધ કરતા એક વ્યક્તિ દ્વારા જીવતી બાળવાની ઘટના બની છે, એમના કુટુંબીજનોએ આ માહિતી આપી હતી.
પીડિતાની માતા સૈમુન ખાતૂને કહ્યું કે એની પુત્રીએ છેડછાડ અને બળજબરીથી લગ્નનો વિરોધ કરતા એ વ્યક્તિએ પુત્રી ગુલનાઝને જીવતી બાળી હતી.
સૈમુન ખાતૂનના પતિનું બે વર્ષ પહેલા અવસાન થતાં એ ગુજરાન ચલાવવા દરજીકામ કરતી હતી અને દરરોજ ૬૦ કિ.મી. દૂર પટના જતી હતી, એમણે કહ્યું કે મારી દીકરી મને કામમાં મદદ કરશે એવી મને આશા હતી જે હવે ધૂળમાં મળી ગઈ.
એમના જણાવ્યા મુજબ ગુલનાઝ મેટ્રિક સુધી ભણી હતી અને એની સગાઇ થઇ ગઈ હતી. જેના આગામી વર્ષે લગ્ન થનાર હતા પણ એની સાથે મારા એ સ્વપ્નાઓ પણ મરી ગયા. વૈશાલી જિલ્લાના ચાંદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રસુલપુર હબીબ ગામમાં પોતાના ઘરે એમણે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે અને ગુનેગારોને સજા મળશે.
૨૯મી ઓક્ટોબરે મુખ્ય આરોપી ૨૦-૨૫ વર્ષીય સતીષકુમાર રાય જે ડ્રાયવર તરીકે કામગીરી કરે છે અને પીડિતાના ઘરેથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ રહે છે. એણે ગુલનાઝને બળજબરીથી શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું અને એની સાથે લગ્ન કરવા કહ્યું. ગુલનાઝે એનો વિરોધ કર્યો અને એની માતા સૈમુન સતીશના ઘરે ગઈ અને કુટુંબીજનો સાથે વાત કરી. સતીશના કુટુંબીજનોએ ખાત્રી આપી કે હવેથી સતીષ આવું નહિ કરે. બીજા દિવસે ૩૦મી ઓક્ટોબરે એમની નાની પુત્રી ગુલશન ખાતૂને સાંજે ૫-૩૦ વાગે એણે ફોન કરી જણાવ્યું કે ગુલનાઝને સતીશે ઘરેથી બહાર નીકળતી વખતે રોકી હતી અને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પણ ગુલનાઝે ઇન્કાર કર્યું હતું. આ વખતે એની સાથે એનો મિત્ર ચંદન રાય પણ હતો. ગુલનાઝે ઇન્કાર કરતા સતીષ અને એના મિત્રે ગુલનાઝને માર માર્યો અને ઢસડીને લઇ ગયા અને કેરોસીન છાંટી આગ ચાંપી દીધી.
જયારે ગુલનાઝે મદદ માટે બૂમો પાડી ત્યારે પડોશીઓ દોડી આવ્યા અને આગ બુઝાવી અને પછી ઘવાયેલ ગુલનાઝને વૈશાલી જિલ્લાના હાજીપુરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. એના પછી કુટુંબ ગુલનાઝને ૭મી નવેમ્બરે પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ ગયો જ્યાં સારવાર દરમિયાન ૧૫મી નવેમ્બરે એનું મૃત્યુ થયું.
સૈમુને જણાવ્યું કે ૩૦મી ઓક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી ન હતી. જોકે સતીશે ૧૮મી નવેમ્બરે આત્મસમર્પણ કર્યું હતું. હવે કેસની તપાસ માટે સીટની રચના કરાઈ છે.