(એજન્સી) નવી દિલ્હી, તા.૯
આવતીકાલે પરિણામનો દિવસ છે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ કાલે આવવાનું છે સાથો સાથ ૧૦ રાજ્યોની ૫૪ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ પણ કાલે જ આવશે. ગુજરાતની ૮ બેઠકોની મત ગણતરી પણ કાલે જ થશે. આમ ભારતના રાજકારણ માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્ત્વનો છે. કાલે મધ્યપ્રદેશમાં પણ પરિણામો નવાજુની સર્જી શકે છે.
બિહારની ૨૪૩ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં મુખ્યમંત્રી નીતિશકુમારની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળની આગેવાની હેઠળના મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.
કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે. મતોની ગણતરી બાદ કોંગ્રેસે ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે બે વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ અવિનાશ પાંડે અને રણદીપસિંહ સુરજેવાલાને પટના મોકલ્યા છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદના સંજોગોમાં મેનેજમેન્ટની જવાબદારી આપીને આ બંને નેતાઓને મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ઝિટ પોલમાં સત્તારૂઢ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના નેતૃત્વ હેઠળના સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) વચ્ચે નજીકની લડતની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિરોધી છાવણીમાંથી ધારાસભ્યોને ખરીદવા અને વેચવાના પ્રયાસો થઈ શકે છે તેને જોતા બંને નેતાઓને પટના મોકલી દેવાયા છે. આ બંને નેતાઓ બિહારમાં રોકાશે અને ગઠબંધન સહયોગીઓની સાથે સમન્વય બનાવી રાખશે.
મહાગથબંધનમાં આરજેડીની સાથે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે, જ્યારે એનડીએમાં જેડીયુ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જીતનરામ માંઝીની પાર્ટી હમ, મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી) છે. જો લડત નજીક રહી અને એનડીએ બહુમતી માટે જરૂરી ૧૨૨ બેઠકોના જાદુઈ આંકડાની નજીક પહોંચે છે, તો પછી વિરોધી પક્ષની છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં જે પક્ષો ઓછી બેઠકો જીતે છે તે વધુ સંવેદનશીલ બની જશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની યોજના પોતાના તમામ ધારાસભ્યોને પટનાની એક હોટલમાં રાખવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, જો પરિણામો એક્ઝિટ પોલના અંદાજો પ્રમાણે જ આવે છે તો મહાગઠબંધનની સરકાર રચાવાનું નક્કી મનાય છે. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ગત તા. ૩જી નવેમ્બરે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આવતીકાલે આવશે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૦.૭૫ ટકા મતદાન થયું છે. આવતીકાલે સવારથી જ આ તમામ બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે, જેને લઇ લે ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લીંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણીમા હવે પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ પરિણામો ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વના પુરવાર થશે તે વાતને નિશ્ચિત છે. આઠ બેઠકો માટે થઈને મતગણતરી કેન્દ્રો પણ આઠ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેના પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આવતીકાલે સવારે શરૂ થતી મતગણતરીને લઈને બંને રાજકીય પક્ષોમાં એક વિશિષ્ટ ઉત્સુકતા જોવા મળી રહી છે હાર-જીતના ફેસલાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે આઠે-આઠ બેઠક જીતવાના દાવા સાથે ભાજપ આગળ વધી રહી છે તો કોંગ્રેસ કેટલી બેઠકો જાળવી શકે છે તે આવતીકાલે ઈવીએમ ખૂલ્યા પછી જ ખબર પડશે, આમ રાજ્યની આઠ વિધાનસભા પેટાચૂંટણીમાં કુલ મતદાન ૬૦.૭૫ ટકા નોંધાયું છે.