બિહારમાં સતામણીની ચોંકાવનારી ઘટના : પોલીસે ત્રણની ધરપકડ કરી, અન્ય ચારની શોધખોળ શરૂ

છેડતીની ઘટના અંગે FIR નોંધવામાં આવી

 

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ બિહારના જમુઈ જિલ્લામાં એક સગીર છોકરા અને છોકરીની કથિત સતામણીના મામલે પોલીસે સોમવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. મીડિયા સાથે વાત કરતા જમુઈના એસપી (SP) વિશ્વજીત દયાલે જણાવ્યું હતું કે, આ ઘટના ૧૯ સપ્ટેમ્બરની સાંજે બની હતી અને તેમાં સામેલ તમામ લોકોની ઓળખ કરવા તથા ધરપકડ કરવા માટે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી છે. દયાલે પત્રકારોને કહ્યું, ‘જો કે, આ ઘટના બે દિવસ જૂની છે પરંતુ રવિવાર સુધી છોકરા કે છોકરી દ્વારા અમારી સમક્ષ કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. આજે જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે ક્લિપમાં દેખાતા વાહનના રજિસ્ટ્રેશન નંબરની મદદથી અમે પીડિતોને શોધી કાઢ્યા.’ પોલીસે જણાવ્યું હતું કે, પીડિતોએ FIRમાં કોઈ આરોપીનું નામ આપ્યું ન હતું. જો કે, તપાસકર્તાઓએ વીડિયો પરથી લગભગ સાત લોકોની ઓળખ કરી લીધી છે. સમાચાર એજન્સીPTIના અહેવાલ મુજબ ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને દરોડાની કાર્યવાહી ચાલુ છે. એસપીએ કહ્યું કે, વીડિયોમાં છોકરી સાથે અશ્લીલ વર્તન કરતા જોવા મળેલા વ્યક્તિની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ તેની ધરપકડ કરવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવા માટે પણ પગલાં લીધાં છે. દયાલે જણાવ્યું હતું કે, છોકરો અને છોકરી મિત્રો હતા અને એક જ કોચિંગ સંસ્થામાં જતા હતા; જો કે, સગીરોને લગતી સંવેદનશીલ માહિતીની સુરક્ષાની જરૂરિયાતને ટાંકીને તેમણે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. કથિત વીડિયોમાં લોકોનું એક જૂથ રસ્તાની બાજુએ છોકરા અને છોકરીને રોકીને તેમની સતામણી કરતું જોવા મળે છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર વ્યાપક રોષ જગાવ્યો છે અને રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત ચિંતાજનક’ ગણાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks