(એજન્સી) નાલંદા, તા.૨૩
બિહારના નાલંદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે, આસપાસના ઘણા ઘરો ધ્વસ્ત થઈ ગયા હતા. ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. આગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની પણ શક્યતા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત કાર્ય ચાલુ છે. નાલંદા જિલ્લાના સોહસરાય પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખાસગંજ મહોલ્લામાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે મો. રાજાના ઘરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના ત્રણ ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનામાં ૧૮થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાક્ષીઓ મુજબ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરી વિશે પહેલાં પોલીસને ચેતવણી આપી હતી. પરંતુ ફેક્ટરીના માલિક સાથે કોઈ પણ ક્રિયા કરવામાં આવી ન હતી.