બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ રાજેશ કુમારે જણાવ્યું હતું કે, બીપીસીસી પ્રમુખ તરીકે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના બંધારણનું રક્ષણ કરવાનો અને કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓની મદદથી બિહારમાં પાર્ટીને મજબૂત બનાવવાનો છે
(એજન્સી) તા.૨૫
પટણામાં પાર્ટી મુખ્યાલય સદાકત આશ્રમ ખાતે બીપીસીસી પ્રમુખ તરીકેની તેમની પ્રથમ મીડિયા વાતચીતમાં, તેમણે કહ્યું, ‘હું અમારા ટોચના નેતૃત્વની અપેક્ષાઓ જેમ કે, ભારતના બંધારણનું રક્ષણ અને બિહારમાં દલિત, શોષિત, વંચિત અને પછાત વર્ગોના ઉત્થાનને પૂર્ણ કરવા માટે કામ કરીશ.’ રાજેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહાર કોંગ્રેસના વડા તરીકે તેમની નિમણૂક સાબિત કરે છે કે રાહુલ ગાંધીની સામાજિક ન્યાય અને દલિત સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વિચારધારા માત્ર એક સૂત્ર નથી. તેમણે ઉમેર્યું કે, ‘ઘણા લોકોએ રાહુલ ગાંધીની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા હતા અને પાર્ટીમાં દલિત સશક્તિકરણ વિશે પૂછ્યું હતું. તેમણે અનેક વખત આ વાત સાબિત કરી છે. તેલંગાણામાં અનામત વધારવાનો મુદ્દો હોય કે પાર્ટીના ટોચના નેતૃત્વની નિમણૂકનો મુદ્દો હોય. ફક્ત હું જ નહીં, ઓડિશા કોંગ્રેસ પ્રમુખ ભક્ત ચરણ દાસ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકલ સહિત પાર્ટીના અન્ય ઘણા રાજ્યોના વડાઓ પર એક નજર નાખો તો તમને આ વાત ખ્યાલ આવશે,’ તેમણે કહ્યું કે તેઓ રાજ્યમાં પાર્ટીના પાયાને વધુ મજબૂત બનાવવા માટે અન્ય નેતાઓ અને પાર્ટી કાર્યકરો સાથે હાથ મિલાવીને કામ કરશે, જ્યાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું, ‘૨૦૧૫થી, કોંગ્રેસ પાર્ટીના મત ટકાવારી નોંધપાત્ર રીતે વધી રહી છે. જો તમે લોકસભા અને પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનની તુલના કરો તો પણ તમને તફાવતનો ખ્યાલ આવશે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે મળીને પાર્ટીની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.’ બિહાર દિવસ નિમિત્તે બિહારના લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું, ‘બિહારની ભવ્ય અને અદભૂત પરંપરાને ધ્યાનમાં રાખીને, હું રાજ્યમાં પાર્ટીનો સુવર્ણ યુગ પાછો લાવવાનો પ્રયાસ કરીશ.’