તેણીએ કહ્યું કે, આ સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે અને જો સરકાર વ્યક્તિગત જીવનમાં દખલ કરવાનું ચાલુ રાખશે તો આ રાષ્ટ્ર સરમુખત્યારશાહી તરફ આગળ વધશે, દેશની સુંદરતા એ છે કે, દેશમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો છે અને આ પ્રકારના નિર્ણયો બંધારણ વિરુદ્ધ છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૫
સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને ગુરૂવારે આસામમાં હોટલ અને જાહેર સ્થળોએ બીફના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા બદલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પ્રહારો કર્યા હતા. તેણીએ કહ્યું કે, આ સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે અને જો સરકાર વ્યક્તિગત જીવનમાં દખલ કરવાનું ચાલુ રાખશે તો આ રાષ્ટ્ર સરમુખત્યારશાહી તરફ આગળ વધશે. દેશની સુંદરતા એ છે કે, દેશમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકો છે અને આ પ્રકારના નિર્ણયો બંધારણ વિરુદ્ધ છે. શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આક્ષેપ કર્યો હતો કે, આસામના મુખ્યમંત્રીએ યાદ રાખવું જોઈએ કે જ્યારે તેમણે હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમો વિશે વાત કરી હતી ત્યારે તેઓ ઝારખંડની ચૂંટણી હારી ગયા હતા. તેણીએ કહ્યું કે, સરકારે આ નિર્ણય લીધો છે. તેમાં કંઈપણ રાજકીય નથી. એ નોંધવું અગત્યનું છે કે, મુખ્યમંત્રીએ વિપક્ષ પર લગાવેલા કેટલાક આરોપોના આધારે જો તે તેમાંથી કોઈ રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેણે યાદ રાખવું જોઈએ કે ઝારખંડના પ્રભારી તરીકે જ્યારે તેમણે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમો વિશે વાત કરી તો તેઓ ચૂંટણી હારી ગયા હતા.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, આસામના મુખ્યમંત્રી ઝારખંડમાં તેમની ચૂંટણી હારને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝારખંડમાં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. તે પોતાની શરમજનક હારને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું માનું છું કે, ઝારખંડના લોકોએ જે રીતે નફરત અને ઘૂસણખોરોની રાજનીતિને હાર આપી છે એ જ રીતે આવનારી ચૂંટણીમાં આસામના લોકો હિમંતા બિસ્વા સરમાની ભ્રષ્ટ સરકારને સજા કરશે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી કે સરકારે રાજ્યભરમાં કોઈપણ રેસ્ટોરન્ટ, હોટેલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ૨૦૨૧માં પસાર થયેલ આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ પશુઓની કતલને રોકવામાં ખૂબ સફળ રહ્યો છે અને હવે અમે જાહેર સ્થળોએ બીફનું સેવન બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે ત્રણ વર્ષ પહેલા ગૌવંશની કતલ પર પ્રતિબંધનો કાયદો પસાર કર્યો હતો અને તે ખૂબ જ સફળ રહ્યો હતો, તેથી હવે આસામમાં અમે નિર્ણય લીધો છે કે, કોઈપણ રેસ્ટોરન્ટ અથવા હોટલમાં બીફ પીરસવામાં આવશે નહીં અને તે સાર્વજનિક કાર્ય અથવા જાહેર સ્થળ કોઈપણ જગ્યાએ પીરસવામાં આવશે નહીં. તેથી આજથી અમે હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ બીફનું સેવન સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, અગાઉનો નિર્ણય માત્ર મંદિરોની નજીક ગૌમાંસના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો હતો, પરંતુ હવે સરકારે તેને સમગ્ર રાજ્યમાં વિસ્તાર્યો છે. જેથી તમે કોઈપણ સામુદાયિક સ્થળ, જાહેર સ્થળ, હોટલ અથવા રેસ્ટોરન્ટમાં ખાઈ શકશો નહીં. દરમિયાન ઉત્તરપ્રદેશની સંભલ હિંસા પર, સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરાએ ભીડ પર ગોળીઓ ચલાવવા બદલ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. તેણીએ કહ્યું કે, સૌપ્રથમ તો એવા અધિકારીઓને સજા થવી જોઈએ જેમને ભીડને કાબૂમાં રાખવાની તાલીમ આપવામાં આવી છે. તેમ છતાં તેઓએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરીને લોકો પર ગોળીઓ ચલાવી છે એવા અધિકારીઓના પોસ્ટર લગાવવા જોઈએ અને તેમની સામે પગલાં લેવા જોઈએ.