(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
બેંકો અને કરિયાણાની દુકાનોમાં વધુ ભીડ ભેગી થાય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી તેથી આવી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાશે નહીં તો તેના વ્યવસ્થાપકો અને સંસ્થાઓ જવાબદાર ગણાશે. ત્યારે આવા સ્થળોએ યોગ્ય અંતર જળવાઈ રહે તે માટે માર્કિંગ, કતાર કે ટોકન પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. જો આવા સ્થળોએ નાગરિકો તરફથી આ પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવે તો પોલીસને જાણ કરાશે તો પોલીસ ચોક્કસ મદદ કરશે એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનના અમલમાં નાગરિકોનો-આગેવાનોનો મળી રહેલા વ્યાપક સહકાર બદલ સૌનો તંત્ર વતી આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન કેટલાક લોકો બેજવાબદારીપૂર્વક ફરી રહ્યા છે અને તેઓ પોતાના તથા અન્યના સ્વાસ્થ્યને જોખમ ઊભું કરી રહ્યા છે તેવા લોકો ચેતે, પોલીસ તેમની સામે પણ કડક કાર્યવાહી કરશે. લોકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો મીડિયાને આપતાં ડીજીપી ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે અપેક્ષિત છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાક માર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના કલસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે. ઝાએ ઉમેર્યું કે, લોકડાઉનના ચુસ્ત અમલમાં જો નાગરિકો સહયોગ નહીં આપે અને જો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં, આ માટે આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, મહોલ્લા અને સોસાયટીના હોદ્દેદારો વગેરે ત્યાંના રહીશો સાથે ચર્ચા કરીને સહયોગ કરે તે જરૂરી છે. ઝાએ મરકઝથી આવેલા તબ્લીગી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ-૧ર૭ લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ-૧૧ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.
૨૦૫ તીસરી નજરથી ૪૭૧ ગુના નોંધાયા
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, શહેરો-નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઈ છે. જેમાં ૨૦૫ ડ્રોનના ફૂટેજ દ્વારા ગઈકાલે ૪૭૧ ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૨,૫૬૫ ગુના દાખલ કરીને ૬,૧૫૧ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા ગઈકાલે ૯૨ ગુના નોંધીને ૧૬૪ લોકોની અટકાયત કરતા આજ સુધીમાં ૩૯૯ ગુના નોંધી ૭૯૨ લોકોની અટકાયત કરાઈ છે. એ જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા મામલે અત્યાર સુધીમાં ૧૪૨ ગુના દાખલ કરીને ૨૫૮ આરોપીઓની અટકાયત કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ૨,૭૮૮ ગુનાઓ, ક્વોરન્ટાઈન ભંગના ૮૭૨ તેમજ અન્ય ગુનાઓ ૪૭૩ એમ મળી કુલ ૪,૦૯૭ ગુનાઓ નોંધાયા છે. જેમાં કુલ ૬,૧૬૯ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ૭,૮૭૮ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.