બેંક ખાતા, ફોન માટે હાલ પૂરતો આધાર જરૂરી નથી : કાયદેસરતા મુદ્દે ચુકાદા સુધી સુપ્રીમ કોર્ટે મુદ્દત વધારી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમ કોર્ટે આજે દેશના નાગરિકોને મહત્વપૂર્ણ રાહત આપતા નિર્દેશ કર્યો હતો કે, બેંક ખાતા, મોબાઇલ ફોન અને પાસપોર્ટ સહિતની મહત્વની સેવાઓ માટે હાલપુરતું આધાર કાર્ડ નંબર લિંક કરાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી યોજનાઓ અને સબસિડીવાળી યોજનાઓ માટે ૧૨ નંબરના યુનિક આઇડીને લિંક કરાવવું જરૂરી છે પરંતુ સરકાર પહેલા એ નક્કી કરે કે કોઇપણ ખાનગી કે જાહેર સેવાનો લાભ લેવા માટે સરકારની આધાર કાર્ડ લિંક કરાવવાની માગ ગુપ્તતાના અધિકારનો ભંગ છે કે નહી. ૧૨ નબરના યુનિક આઇડીને અન્ય સેવા માટે દરેક નાગરિકે જમા કરાવવું ફરજિયાત નથી. ભારતે ૨૦૦૯માં વિશ્વના સૌથી મોટા ડેટાબેઝને અમલમા મુક્યો હતો જેમાં લોકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવી યોજના હતી. તે બાદ મોદી સરકારે ઇન્કમટેક્ષ ફાઇલિંગથી લઇ મોબાઇલ ફોન રજિસ્ટ્રેશન અને રેલવે ટિકિટ બુકિંગમાં પણ આધારને ફરજિયાત બનાવવાનું અમલી બનાવવા માગે છે. આધાર હવે પેન્શન, કલ્યાણકારી યોજનાઓ અને રોજગારની યોજનાઓ માટે ફરજિયાત બનાવાયું છે.
જાન્યુઆરીમાં આધારને ફક્ત પાસપોર્ટને રિન્યૂ કરાવા માટે જ નહીં પરંતુ તત્કાલમા નવા પાસપોર્ટ બનાવવા માટે પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું જોકે, વ્રિન્દા ગ્રોવર નામના એક સામાજિક કાર્યકરે આ આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના મંગળવારના ચુકાદાનો અર્થ એવો થયો કે, સરકાર દ્વારા બેંક ખાતા અને મોબાઇલ ફોન માટે આધારને અનિવાર્ય બનાવવાની મર્યાદા ૩૧ માર્ચ જાહેર કરી હતી તે હવે વધારી દેવામાં આવી છે અને તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી આધારની કાયદેસરતાને સુપ્રીમ માન્યતા ન આપે ત્યાં સુધી. સાતમી માર્ચે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાની વાળી પાંચ જજોન બંધારણીય બેંચે જણાવ્યંુ હતું કે, માર્ચ ૩૧ સુધી આધાર અંગેની તમામ અરજીઓનો નિકાલ લવાય તેમ શક્ય નથી. હવે આધાર માટે મે મહિનામાં જ્યારે કોર્ટનું વેકેશન પડશે તે પહેલા નિર્ણય આવે તેવી સંભાવના છે.
ચળવળકારીઓ અને ટેકનોલોજી નિષ્ણાતોએ ડેટાના ગુપ્તતા અને સુરક્ષા સામે સવાલો ઉઠાવવા સાથે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે, ડેટાનો દુરૂપયોગ થઇ શકે છે. અરજદારોના જૂથે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે, આધારને ફરજિયાત બનાવવાના સરકારના ઇરાદાને ગોપનિયતાના અધિકારનો ભંગ ગણવામાં આવે. ઓગસ્ટ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, ગોપનિયતા એ મૌલિક અધિકાર છે પણ સ્પષ્તા પણ કરી હતી કે, આધારની બંધારણીય કાયદેસરતાને અલગથી લાગુ કરી શકાય છે. આ ચુકાદા અંગે સરકારે કહ્યુ હતું કે, આ ચુકાદાનોસ્વીકાર કરીએ છીએ પરંતુ તેમની પાસે અંકુશ મુકવા માટે કારણ છે. ટીકાકારોએ એવું પણ કહ્યંુ હતું કે, આધારને લિંક કરી દેવાતા લોકોની કોઇ માહિતી ગુપ્ત રહી શકશે નહીં એટલે સુધી મિત્રો, ટેવો, પરિવાર, મિલકતોવગેરે તમામ માહિતી કોઇપણ જોઇ શકશે.
સરકાર ડેડલાઇન વધારી શકે : તાજેતરમાં જ આ મહિને સરકારે જણાવ્યું હતું કે, આધાર કેસની સુનાવણી માટે હજુ વધુ સમયની જરૂર પડી શકે છે તે માટે સરકાર તેની ૩૧ માર્ચની મર્યાદાને વધારી શકે છે. સુપ્રીમ કોર્ટ પણ સરકારના એટોર્ની જનરલની દલીલો સાથે સહમતી દર્શાવી હતી. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યંુ હતું કે, અમે ભૂતકાળમાં પણ ડેડલાઇન વધારી છે અને અમે હજુ પણ ડેડલાઇન વધારી શકીએ છીએ પણ અમે આ મહિનાના અંત સુધીમાં દલીલોની સુનાવણી નક્કી કરવા માગીએ છીએ. સિનિયર એડવોકેટ શ્યાન દિવાને પણ જણાવ્યું હતું કે દલીલોમાં વધુ સમય જવાનો હોવાથી આધારને કાયદેસર બનાવવાની સમય મર્યાદા વધારી શકાય છે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) નીટ અને ભારતમાં યોજાતી તમામ પરીક્ષાઓ માટે તે આધારની માગણી ન કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts