બેંગ્લુરૂમાં આ મુસ્લિમ ડૉક્ટર લૉકડાઉન વચ્ચે લોકોને ઘરના બારણે પહોંચી મફત દવા આપે છે

 

ડૉ. શબ્બીર પોતાના પૈસાથી ઈન્સ્યૂલિનના
ઈન્જેક્શન ખરીદીને લાવતા હતા અને
ડાયાબિટીસના દર્દીઓ સુધી તે પહોંચાડતા
હતા અને અન્ય જરૂરી દવાઓ પણ તેઓ
જાતે જ ખરીદી લાવ્યા હતા અને તે
લૉકડાઉન જેવા કપરા સમયમાં લોકો સુધી
પહોંચાડી રહ્યા હતા એ પણ મફતમાં

(એજન્સી) તા.ર૯
જ્યારે દેશભરમાં કોરોના વાઈરસની મહામારી પકડ જમાવી રહી છે, સ્વાસ્થ્ય ક્ષેત્રના તમામ નિષ્ણાંતો તથા સરકાર માટે આ મહામારી સામે લડવું કઈ રીતે તે એક મોટો પડકાર બની ગયો છે ત્યારે બેંગ્લુરુમાં એક મુસ્લિમ ડૉક્ટર સૈયદ મોઈનુદ્દીન શબ્બીર લોકોના ઘેર-ઘેર જઈને તેમને મફતમાં દવાઓ આપી રહ્યાં છે અને તેમની સારવાર કરી રહ્યાં છે.
એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં ડૉ. સૈયદ મોઈનુદ્દીન શબ્બીરે જણાવ્યું હતું કે હું એક ઘરની મુલાકાતે પહોંચ્યો તો ત્યારે મેં જોયું તો એક પરિવાર બિસ્કિટ ખાઇને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. તેઓ અઠવાડિયાથી બિસ્કિટ અને પાણી પર જ જીવિત હતા. ડૉ.શબ્બીરે કહ્યું કે, માર્ચ મહિનામાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને દેશભરમાં લૉકડાઉન લગાવાયું હતું અને ત્યારથી જ હું લોકોના ઘેર ઘેર જઈને તેમની સારવાર કરી રહ્યો છું અને તેમના સુધી દવાઓ પહોંચાડી રહ્યો છું. ૪૬ વર્ષીય ડૉક્ટર સંતોષ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂશનના વાઈસ પ્રિન્સિપાલ છે અને તેઓ સંતોષ હોસ્પિટલમાં લેબના હેડ તરીકે કામ કરે છે.
શરૂઆતમાં તેમણે શિવાજીનગરમાં લોકોના ઘેર ઘેર જવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ પુલ્લિકેશનગર અને ભારતીનગરમાં પણ લોકોના ઘેર ઘેર જવા લાગ્યા હતા. તે કહે છે કે લૉકડાઉનને લીધે કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નહોતી એટલા માટે ઘણી સમસ્યાઓ આવી હતી. મેં નોંધ લીધી કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યાઓ વધી રહી હતી. એટલા માટે જ મેં બેઝિક ઈન્સ્યૂલિન અને દવાઓની સપ્લાય વધારવાનો નિર્ણય લીધો. ડૉ. શબ્બીર પોતાના પૈસાથી ઈન્સ્યૂલિનના ઈન્જેક્શન ખરીદીને લાવતા હતા અને ડાયાબિટિસના દર્દીઓ સુધી તે પહોંચાડતા હતા અને અન્ય જરૂરી દવાઓ પણ તેઓ જાતે જ ખરીદી લાવ્યા હતા અને તે લૉકડાઉન જેવા કપરા સમયમાં લોકો સુધી પહોંચાડી રહ્યા હતા એ પણ મફતમાં. આ સારા કામમાં અરૂણકુમાર બોરા નામના એક સામાજિક કાર્યકરે પણ તેમની મદદ કરી હતી અને બંનેએ સાથે મળીને લોકોના ઘેર ઘેર સુધી પહોંચવાની શરૂઆત કરી હતી. જે પ્રવાસી શ્રમિકો તેમના માલિકોના ત્યાં ફસાઈ ગયા હતા કે તેમના માલિકો દ્વારા જેમને તરછોડી દેવાયા હતા એવા લોકો સુધી પણ તેઓ પહોંચ્યા હતા અને તેમના સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમણે પહોંચાડી હતી.
તેઓ કહે છે કે તાજેતરમાં બેંગ્લુરુમાં જે હિંસા ફાટી નીકળી હતી તેના લીધે અમને કામગીરી કરવામાં વધારે પડતી તકલીફ પડવા લાગી છે. અમે અનેક પોલીસ સ્ટેશનોની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને લોકોના ચેકઅપ કર્યા હતા. અમને રમખાણગ્રસ્ત વિસ્તારોમાંથી પણ ગ્રોસરી અને જીવનજરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે લોકોના કોલ આવવા લાગ્યા હતા. જોકે રસ્તાઓ બ્લૉક હોવાને લીધે અમે તેમના સુધી મુશ્કેલીથી પહોંચી શકતા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks