બેંગ્લુરૂમાં પોલીસ કસ્ટડી બાદ દલિતવ્યક્તિનું મોત; પરિવારે ભારે રોષ ઠાલવ્યો

દર્શન પર એટલી હદે ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો કે તે ચાલી પણ શકતો ન હોવાનું તેની માતાએ જણાવ્યું હતું

(એજન્સી) તા.૧
બેંગ્લુરૂમાં પોલીસ કસ્ટડી દરમિયાન કથિત રીતે માર મારવામાં આવ્યા બાદ ૨૪ વર્ષીય દલિત વ્યક્તિનું પુનર્વસન કેન્દ્રમાં મોત થયું હતું. ૨૬ નવેમ્બરના રોજ મૃત્યુ પામેલા દર્શન દારૂ પીતો હતો અને ઘણીવાર ઝઘડા પણ કરતો હતો. તેની માતા, આદિલક્ષ્મીના જણાવ્યા અનુસાર, ૧૨ નવેમ્બરના રોજ વિવેકનગર સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેના પાડોશી સાથેના ઝઘડા બાદ તેને કસ્ટડીમાં લીધો હતો. માતાએ આરોપ લગાવ્યો હતો કે તેને તેના પુત્રને જોવા કે મળવા દેવામાં આવી ન હતી. તેની પોલીસ ફરિયાદમાં, તેણે સહાયક સબ-ઇન્સ્પેક્ટર પવન અને બે અન્ય પોલીસકર્મીઓનો નામ તેમના પુત્ર પર એટલી હદે ક્રૂરતાથી હુમલો કરવા બદલ આપ્યા છે કે તે ચાલી શકતો ન હતો. તેની બગડતી હાલત છતાં કોઈ તબીબી સારવાર આપવામાં આવી ન હતી. ત્રણ દિવસ પછી, ૧૫ નવેમ્બરના રોજ, પોલીસે દલિત પરિવારને જાણ કરી કે દર્શનને મદનાયકાનાહલ્લી નજીક યુનિટી ફાઉન્ડેશન રિહેબ સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યો છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ‘પોલીસે મારા દીકરાને ત્યાં દાખલ કરવા માટે દબાણ કર્યું અને પ્રવેશ ફી તરીકે ૨,૫૦૦ રૂપિયાની માગણી કરી. દાખલ કર્યા પછી, હાજર સ્ટાફ દ્વારા અમને કહેવામાં આવ્યું કે દર્શનની તબિયત સુધરી રહી છે, પરંતુ અમે તેને ક્યારેય જોયો નહીં’. પછી, ૨૬ નવેમ્બરના રોજ, આદિલક્ષ્મીને તેના દીકરાના ‘શ્વાસ લેવામાં તકલીફ’ના કારણે મૃત્યુના સમાચાર મળ્યા પછી તેની દુનિયા વેરવિખેર થઈ ગઈ. જ્યારે પરિવાર પુનર્વસન કેન્દ્ર પર પહોંચ્યો, ત્યારે તેમને ખબર પડી કે તેનો મૃતદેહ ગાયબ હતો. બાદમાં તેમને નેલમંગલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને જાણ કરી કે દર્શનને મૃત હાલતમાં લાવવામાં આવ્યો છે. પરિવારે તેની છાતી, પીઠ, હાથ અને પગ પર ઈજાના નિશાન જોયા, જેનાથી શંકા વ્યક્ત થઈ કે તેના પર હુમલો થયો છે. ત્યારબાદ તેના શરીરને પોસ્ટમોર્ટમ માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં ડોક્ટરોને ઘણી જૂની ઈજાઓ પણ મળી આવી.મદનાયકનહલ્લી પોલીસે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને હુમલો, ખોટી રીતે કેદ, કસ્ટડીમાં ત્રાસ અને બેદરકારી સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આદિલક્ષ્મીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રને નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે અનુસૂચિત જાતિનો હતો અને ઉચ્ચ જાતિના પોલીસ કર્મચારીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. દલિત સંગઠનોએ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે ઘટનાક્રમ મજબૂત રીતે સૂચવે છે કે પુનર્વસનના બહાને કસ્ટોડિયલ ત્રાસ આપવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts