બેન્ક ખાતામાં ફક્ત ૨,૪૧૦ બેલેન્સ સાથે, દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી માણિક સરકાર પાંચ વર્ષ પછી પણ ગરીબ રહ્યાં

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર દેશમાં સૌથી ગરીબ મુખ્યમંત્રી રહ્યાં છે તેમના બેન્ક ખાતામાં ફક્ત ૨,૪૧૦ બેલેન્સ જમા છે. સોમવારે કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા માણિક સરકારે ધનપુર વિધાનસભાનું નામાંકન પત્ર દાખલ કરતી વેળાએ અંગત સંપત્તિ તરીકે આ રકમ જાહેર કરી. તેમણે રજૂ કરેલી એફિડેવિટમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયાના પોલીટબ્યુરો સભ્ય માણિક સરકારના બેન્ક ખાતામાં ૨૦ મી જાન્યુઆરી સુધીમાં ફક્ત ૨૪૧૦ જેટલી શેષ રકમ જમા હતી. પાંચ વારના ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર છઠ્ઠી વખત ચૂંટણી લડી રહ્યાં છે તેઓ દેશમાં ત્રિપુરાના સૌથી લાંબા કાળ સુધીના મુખ્યમંત્રી બન્યાં છે. ૬૯ વર્ષીય માણિક સરકારે પોતાનો સમગ્ર પગાર ૨૬,૩૧૫ પાર્ટી ફંડમાં આપી દીધો છે. બદલામાં તેમને આજીવિકા માટે પાર્ટી તરફથી ૯૭૦૦ નું માસિક ભથ્થું મળે છે. એફિડિવેટમાં સરકારે એવો દાવો કર્યો કે મારી પાસે અગરતલામાં ૦.૦૧૧૮ એકર બિન કૃષિની જમીન છે જે તેમના સંતાનોની સંયુક્ત માલિકી છે. મજાની વાત એ છે કે ત્રિપુરાના પાંચ વારના મુખ્યમંત્રી માણિક સરકાર મોબાઈલ ફોન પણ રાખતા નથી. માણિક સરકારને પોતાના રાજ્યમાં ભાજપ તરફથી કડી ટક્કર મળે તો નવાઈ નહીં. તેમની સોશિયલ મીડિયા પર હાજરી નથી કે તેમનું કોઈ ઈમેઈલ એકાઉન્ટ પણ નથી.તેમની ચૂંટણી ટાણેની જાહેરાત અનુસાર, તેમની પત્ની પંચાલી ભટ્ટાચાર્ય નિવૃત સરકારી કર્મચારી, ૨૦,૧૪૦ રોકડ રકમ ધરાવે છે અને તેમના બેન્ક ખાતામાં ૧૨,૧૫,૭૧૪.૭૮ જમા છે. અગરતલામાં રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવેલા સરકારી આવાસમાં તેઓ પતિ-પત્ની રહે છે. મુખ્યમંત્રીના પત્ની ઘણી વાર સામાન્ય પ્રજાજનની જેમ રિક્ષામાં મુસાફરી કરતાં જોવા મળ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts