રાજસ્થાનમાં ૮ જેટલા ગ્રાહકોએ તરૂણીનો દેહ ચૂંથ્યો

અમરોલી પોલીસની ટીમે રાજસ્થાન પહોંચીને ખેલ પાડ્યો
પોલીસને જે નંબર પરથી કોલ આવ્યો હતો એ નંબર પર કોલ કરી રાજસ્થાનના યુવકને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ અમરોલી પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી, જ્યાં આખી ગેંગને ઝડપી પાડી હતી. હાલ તો આરોપીઓના ૨૧ માર્ચ સુધીના રિમાન્ડ મેળવી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૦
સુરતના અમરોલી વિસ્તારમાંથી ૧૪ વર્ષની તરૂણી ગુમ થયા બાદ તેની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ આખા કેસમાં એક મહિલાએ પોતાનું નામ બદલી સગીરાને બ્યુટીપાર્લરમાં કામ કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ આખી ગેંગના પાંચ જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ તરૂણીને રાજસ્થાનની હોટલમાં લઈ ગયા બાદ તેને ઉત્તેજના થાય એ માટે ગોળીઓ પિવડાવવામાં આવતી હતી. ત્યારબાદ હોટલના રૂમમાં ગ્રાહકોને મોકલવામાં આવતા હતા, જે પૈકી એક ગ્રાહકને તરૂણીએ પોતાની કહાની જણાવી હતી. ત્યારબાદ ગ્રાહકે માનવતા દાખવીને પોતાનો ફોન તરૂણીને આપતાં તેણે તેના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં પોલીસ મોબાઈલ નંબરના આધારે રાજસ્થાનની હોટલ સુધી પહોંચી હતી.
પોલીસે ૨૬ વર્ષીય મોનીરાખાતુન ઉર્ફે જ્યોતિ સાકીલ હલદરની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે ૨૮ વર્ષીય માસ્ટર માઇન્ડ સૈદુલ મોલ્લા મુનાબ્બાર મોલ્લા સાલોમ અને તેની ૨૫ વર્ષીય પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સૈદુલ મોલ્લા મુનાબ્બાર ઉપરાંત ૨૧ વર્ષીય રાહુલ રામસ્વરૂપ ટેલર, ૨૪ વર્ષીય સમીર સલીમ કુરેશી અને ૩૦ વર્ષીય આરિફસાદિક ખાનની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી. તરૂણીને સુરતથી રાજસ્થાન ટ્રાવેલર્સમાં મોનીરા ખાતુન લઈને નીકળી હતી. તેને રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાણા લઈ ગયા હતા. જ્યાં વૃંદાવન હોટલમાં લઈ જવામાં આવી હતી અને સૈદુલ મોલ્લા અને તેની પત્ની મોહિમા ઉર્ફે રિયાને સોંપી દેવામાં આવી હતી. વૃંદાવન હોટલમાં સેક્સ રેકેટ જ ચાલતું હતું. મેનેજર સલીમની પૂછપરછમાં હોટલના માલિક ડો. અમિત ચૌધરી છે અને તેઓ ભાડેથી ચલાવે છે. પાંચ દિવસ સુધી તરૂણી પર અત્યાચાર ગુજાર્યો હતો. આઠ જેટલા ગ્રાહકો દ્વારા તરૂણી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.