(એજન્સી) બૈરૂત, તા.૧૯
લેબનોનની રાજધાની બેરૂતમાં થયેલા ભીષણ વિસ્ફોટના મામલામાં કસ્ટમ ઓથોરિટીના પ્રમુખ બદ્રી દાહેરની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલાં અધિકારી સાથે પુછપરછ કરવામાં આવી. બૈરૂત વિસ્ફોટની તપાસ આ તથ્યની આસપાસ થઈ રહી છે કે, લગભગ ૩૦૦૦ ટન વિસ્ફોટક પદાર્થ અમોનિયમ નાઈટ્રેટ બંદર પર કેમ રાખવામાં આવ્યું હતું. આ વિસ્ફોટમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યા અને ૬૦૦૦ લોકો ઘાયલ થયા હતા. ચાર ઓગસ્ટે થયેલા વિસ્ફોટ પછીથી ૩૦ લોકો અત્યારે પણ ગુમ છે. તેનાથી હજારો કરોડની સંપત્તિનું પણ નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિક મુજબ વિસ્ફોટથી ૪૦,૦૦૦ ઈમારતોને નુકસાન થયું છે. લેબેનોનના રાષ્ટ્રપતિ મિશેલ ઓઉને જણાવ્યું કે, વિસ્ફોટની તપાસ ખૂબ જ જટીલ છે. તેને પૂરી થવામાં સમય લાગશે તપાસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ભાગમાં બંદરની આસપાસની પરિસ્થિતિઓની માહિતી મેળવવી. બીજમાં આ જાણવું કે, વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યા અને અહીં કોણે રાખ્યા. ત્રીજા ભાગમાં તેની દેખ-રેખ અને સુરક્ષા માટે જવાબદાર લોકોની માહિતી મેળવવી.
ભારે વિરોધના કારણે ત્યાંની સંપૂર્ણ સરકારે આપ્યું હતું રાજીનામું
જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલાં જ વડાપ્રધાન હસન દિયાબીએ રાજીનામું આપી દીધું હતું. વિસ્ફોટથી નારાજ લોકો સરકારી એકમોની બેદરકારી અને સરકારની અયોગ્યતાનો આરોપ લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સંપૂર્ણ સરકાર પાસેથી ત્યાગપત્રની માંગ કરી રહ્યા હતા. એટલું જ નહીં જનતાના ભારે આક્રોશના કારણે એક-એક કરી મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. દેશમાં ત્યારે જનાક્રોશના કારણે સરકાર ઘણી દબાણમાં હતી.