(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
બોફોર્સ કૌભાંડનો કેસ ફરીથી ખુલશે કે નહીં એનો નિર્ણય સુપ્રીમકોર્ટ રજી ફેબ્રુઆરીએ કરશે. સુપ્રીમકોર્ટે અરજદારને પ્રશ્ન કર્યો કે શું એવો કોઈ ચુકાદો છે જેમાં ફોજદારી કેસોમાં માહિતી પક્ષને દરમિયાનગીરી આપવા મંજૂરી અપાઈ હોય જ્યારે કે તપાસ એજન્સીએ કોઈ પણ પ્રકારની અપીલ દાખલ નહીં કરેલ હોય. ફકત એટલું જ નહીં પણ કેસને ફરીથી ખોલવાની માગણી કરનાર અરજદાર અજય અગ્રવાલને અરજી દાખલ કરવાના અધિકાર સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.
બોફોર્સ કૌભાંડને લગતી અમુક મહત્ત્વપૂર્ણ હકીકતો
૧. સુુપ્રીમકોર્ટના જજ દીપક મિશ્રાએ કહ્યું કે જો તપાસ એજન્સી અરજી દાખલ કરે તો વાત સમજાય છે અને જો મુખ્ય અરજદાર અરજી દાખલ કરે તો પણ યોગ્ય છે. પણ એક ત્રાહિત વ્યક્તિ ફોજદારી અપીલ કઈ રીતે દાખલ કરી શકે છે. એ સમયે સીબીઆઈ તરફે રજૂઆત કરનાર વકીલે કહ્યું કે ર૦૦પના વર્ષમાં સીબીઆઈએ સલાહ માંગી હતી અને પછી નિર્ણય કરાયો કે અપીલ દાખલ નહીં કરાય.
ર. સુપ્રીમકોર્ટમાં અરજદારે કહ્યું કે સમગ્ર દેશનું ધ્યાન આ તરફ છે ત્યારે કોર્ટે કહ્યું કે આજ તો પ્રશ્ન છે કે તમોએ આ મુદ્દાને દેશની સુરક્ષા જેવા મુદ્દાઓ સાથે જોડયો છે એ માટે બધાનું ધ્યાન આ તરફ છે. કોર્ટે સીબીઆઈને પૂછયું તમોએ ૧ર વર્ષમાં કોઈ અરજી દાખલ કેમ નહીં કરી ? દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને કેમ ન પડકાર્યો ? અમને એવા ચુકાદાની નકલ આપો જે દ્વારા ફલિત થતું હોય કે ફોજદારી અપીલમાં ત્રાહિત વ્યક્તિ અરજી કરી શકે છે અથવા નહીં.
૩. ભાજપ નેતા અને વકીલ અજય અગ્રવાલે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. ૧૯૮૬ના વર્ષમાં બહુચર્ચિત બોફોર્સ કૌભાંડ બહાર આવ્યો હતો જેમાં ભારતીય અધિકારીઓ ઉપર ૬૪ કરોડ કટકી લેવાના આક્ષેપો હતા. અરજીમાં અગ્રવાલે કહ્યું છે કે સીબીઆઈએ ૩૧મી મે ર૦૧પના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો ન હતો. દિલ્હી હાઈકોર્ટે હિન્દુજા ભાઈઓને બધા આક્ષેપોમાંથી મુક્ત કર્યા હતા.
૪. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સીબીઆઈએ ૯૦ દિવસમાં નહીં પડકારાય અરજદારે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે.
પ. અરજદારે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, સીબીઆઈએ બોફોર્સ કૌભાંડને તે સમયે આગળ નહીં વધાવ્યો જ્યારે કોર્ટનો ચુકાદો ખોટો હતો કારણ કે કાયદા વિભાગે સીબીઆઈને પરવાનગી આપી ન હતી.
૬. અરજદારે આક્ષેપો મૂક્યા છે કે તે વખતે આરોપીઓ અને સીબીઆઈ વચ્ચે સમજૂતી થઈ હતી અને જે અંતર્ગત લંડનમાં ઈટલીના વેપારી કવાત્રોચિના બેંક ખાતાઓને ફરીથી ખોલવા પરવાનગી અપાઈ હતી. કવોત્રોચિ આ કૌભાંડમાં વચેટિયા હતા. આ બાબતે તે વખતના એ.જી.એ. ઈંગ્લેન્ડની મુલાકાત પણ કરી હતી.
૭. યુપીએ સરકાર અને સીબીઆઈને ખબર હતી કે આ મામલા બાબત સુપ્રીમકોર્ટ સમક્ષ પણ રજૂઆત થયેલ છે. આ કૌભાંડમાં તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી, કવોત્રોચિ, બિન ચઢ્ઢા, હિન્દુજા ભાઈઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓની વિરૂદ્ધ નક્કર પુરાવાઓ હતા. એ માટે સીબીઆઈની મદદ દ્વારા કોંગ્રેસ ૧૯૮૬થી ર૦૧૪ સુધી સમગ્ર કૌભાંડને ઢાંક પિછોડો કરવા પ્રયાસો કર્યા હતા.
૮. અરજદારે બધા દસ્તાવેજો સીબીઆઈને પૂરા પાડવા માગણી કરી છે. એમણે કહ્યું કે તપાસ થવી આવશ્યક છે જેથી ફરીથી કોઈ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મામલે કૌભાંડ નહીં આચરી શકે.
૯. અરજદાર અગ્રવાલ ર૦૧૪માં સોનિયા સામે ભાજપની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
૧૦. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં સંસદની સમિતિએ રક્ષા મંત્રાલયને બોફોર્સને લગતી બધી ફાઈલોને શોધવા કહ્યું હતું. આ પછી મંત્રાલયે અડધી ફાઈલો રજૂ કરી હતી જેથી સમિતિએ નારાજગી દર્શાવી હતી.