(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૧
બોરસદ-ધુવારણ માર્ગ ઉપર કસારી ગામ નજીક નીલગાય વચ્ચે આવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર બે જણાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. જે બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ધુવારણ ગામે રહેતા નરેન્દ્રસિંહ જગદિશભાઈ સિંંધા, રજતભાઈ હિતેશભાઈ પંડ્યા, નિમેશભાઈ અશોકભાઈ સિંધા તેમજ સંદિપ સિંધા સહિત ચાર મિત્રો ગત રાત્રીનાં સુમારે રજતભાઈ પંડ્યાની કાર લઈને જમવા માટે બોરસદ ગયા હતા અને બોરસદની તવાફ્રાય હોટલમાં જમીને ચાર મિત્રો ધુવારણ પરત જવા માટે નિકળ્યા હતા ત્યારે સંદીપ કાર હંકારી રહ્યો હતો,બોરસદ ધુવારણ રોડ પર કસારી ગામ નજીક રાત્રીનાં સાડા નવ વાગ્યાનાં સુમારે રસ્તા વચ્ચે અચાનક નિલગાય આડી આવતા કારચાલક સંદીપએ કાર પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અને કારનો લોચો વળી ગયો હતો. જેમાં રજતભાઈ અને નિમેશભાઈના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા જયાર કાર ચાલક સંદિપ અને નરેન્દ્રસિંહને ત્વરીત સારવાર માટે ૧૦૮ની એમ્બ્યુલન્સમાં બોરસદની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં સંદિપની સ્થિતી ગંભીર હોઈ તેને વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયારે નરેન્દ્રસિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હોઈ સારવાર આપી હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે બપોરે મૃતકોનાં મૃતદેહનાં પોષ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેઓનાં પરિવારજનોને સોંપાયા હતા, આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સંદીપ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.