(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૦
આણંદ જિલ્લાનાં બોરસદ નગરપાલીકાની આજે મળેલી સામાન્ય સભામાં પાલિકાના ઉપપ્રમુખ અને કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે ઉગ્ર તડાફડી થતાં સત્તાધારી જૂથમાં સભ્ય વચ્ચે રહેલો વીખવાદ સપાટી પર આવી ગયો છે.
મળતી વિગતો અનુસાર બોરસદ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેર વિસ્તારમાં પોલ અને દીવાલ ઉપર ટયુબલાઈટ ફિક્ચરની જગ્યાએ એલઈડી બેસાડવા માટે સામાન ખરીદવા બાબતનો ઠરાવ રજૂ થતાં જેમાં ભાજપનાં વિપક્ષના કાઉનસિલર ભગવતીબેન પુરોહિતે વિરોધ નોંધાવ્યો હતો. જેથી આ બાબતે સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ યુસુફભાઈ મીર્ઝાએ ભાજપના કાઉન્સિલરની રજૂઆતમાં સુર પોકારી આ મુદ્દે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા જણાવ્યું હતું. જેથી કોંગ્રેસના કાઉન્સિલર રમેશભાઈ રબારી સત્તાધારી જૂથના યુસુફભાઈ મીર્ઝા ઉપર ઉશ્કેરાઈ ગયાં હતાં અને બંને વચ્ચે તડાફડી સાથે મામલો ઉગ્ર બન્યો હતો જે સાથે જ સત્તાધારી જુથમાં કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે રહેલો વિખવાદ સપાટી પર આવી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પાલિકાના ઉપપ્રમુખ યુસુફબેગ મિરઝાએ તનતોડ મહેનત કરી મુસ્લિમ સમાજમાં ભારે મતદાન કરાવતા કોંગ્રેસનાં ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ખાસ માણસ ગણાતા કાઉન્સિલર રમેશભાઈ રબારીએ યુસુફબેગ મિરઝા સાથે કરાયેલા વર્તાવને લઈને મુસ્લિમ કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે.