બર્મિંગહામ, તા.૧૦
ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણીમાં પોતાના નબળા પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમની અંડર-૧૯ ટીમને પણ ઇંગ્લેન્ડની ધરતી પર મોટી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અંડર-૧૯ સામે ૧ યુથ ટેસ્ટ અને ૪ યુથ વન-ડે મેચોની સિરીઝ રમવા પહોંચેલી પાકિસ્તાનની અંડર-૧૯ ટીમને સ્થાનિક લોકોએ ‘શરણાર્થીઓનું જૂથ’ સમજી લીધું હતું, જેના પગલે ખેલાડીઓ જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર પ્રદર્શનકારીઓની ભીડ જમા થઈ ગઈ હતી.
‘બ્રિટિશ ન હોય તેવા લોકો આવ્યા છે’ : હોટેલ બહાર પહોંચ્યા વિરોધીઓ : પાકિસ્તાનની અંડર-૧૯ ટીમ પોટ્ર્સમાઉથની મેરિયટ હોટેલમાં રોકાઈ હતી. સ્થાનિક લોકોને એવી અફવા મળી હતી કે, હોટેલમાં એવા લોકો આવીને રોકાયા છે જે બ્રિટિશ નથી લાગતા અને સંભવતઃ શરણાર્થીઓ છે. આ ખોટી માહિતી મળતાં જ વિરોધ પ્રદર્શકોનું એક જૂથ હોટેલની બહાર એકઠું થઈ ગયું હતું. એક અહેવાલ અનુસાર રિફોર્મ પાર્ટીના કાઉન્સિલર જ્યોર્જ મેડગ્વિકને આ ઘટનાની જાણ થતાં તેમણે તરત જ હોટેલ મેનેજમેન્ટ અને પાકિસ્તાન અંડર-૧૯ ટીમના સ્ટાફ સાથે ફોન પર સંપર્ક સાધ્યો હતો. મેડગ્વિકે ટીમના કોચ સાથે સીધી વાત કરીને ખરી હકીકત મેળવી હતી અને ત્યારબાદ હોટેલ બહાર એકત્ર થયેલા દેખાવકારોને સમજાવ્યા હતા કે, આ કોઈ શરણાર્થીઓ નથી પરંતુ ક્રિકેટ શ્રેણી રમવા આવેલી પાકિસ્તાનની અધિકૃત જુનિયર ક્રિકેટ ટીમ છે. સાચી માહિતી મળ્યા પછી ભીડ ત્યાંથી વિખેરાઈ ગઈ હતી.
ઈઝ્રમ્ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા : પોટ્ર્સમાઉથની હોટેલ બહાર બનેલી આ ઘટના બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરત જ એક્શનમાં આવ્યું છે. ECBમ્એ પાકિસ્તાન ટીમના મેનેજમેન્ટ સાથે તાકીદે સંપર્ક કર્યો છે અને સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાપૂર્વક સમીક્ષા હાથ ધરી છે.
પ્રવાસમાં ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન :
• યુથ ટેસ્ટ (૨થી ૫ સપ્ટેમ્બર) : પાકિસ્તાન અંડર-૧૯ ટીમનો ૧૦ રને પરાજય થયો હતો.
• પ્રથમ યુથ વન-ડે (૯ સપ્ટેમ્બર) : પાકિસ્તાનની અંડર-૧૯ ટીમે જોરદાર વાપસી કરીને ૧૭૭ રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.
• આ સિરીઝનો હવે પછીનો મુકાબલો ૧૨ સપ્ટેમ્બરના રોજ રમાશે.