ભરૂચ,તા.૧
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાના ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્ર સાંનિધ્યમાં વાગરા તાલુકાના પહાજ તથા ઔચ્છણ કેન્દ્ર ખાતે વર્લ્ડ એઈડસ ડેની તથા કૌમી સદભાવના દિવસની ઉજવણી કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવી. આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ સ્વયંસેવક દિવ્યજીતસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં એઈડસની બીમારી વિશે અને તેના નિવારણ માટે તથા આ રોગને થતો અટકાવવા સંબંધિત જનજાગૃતિ અંતર્ગત હાજર લાભાર્થીઓ રીસોર્સ પર્સન અને ફિલ્ડ સ્ટાફને સવિશેષ જાણકારી ઉપલબ્ધ કરાવી હતી. અમુલ્ય જીવનને આ રોગથી બચાવવાના સચોટ ઉપાયોની છણાવટ કરી હતી. જેના થકી મહિલા, પુરૂષોમાં જનચેતના જન્મે અને આવનાર પેઢીને પણ તેનાથી શિક્ષિત બનાવે. નિસંકોચ તેનો પ્રચાર પ્રસાર પણ કરે. કોમી એતા અને સદભાવના માટે જેએસએસના રિસોર્સ પર્સન આઈ.આઈ. પટેલ દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરાવ્યા હતા. ભારતના સંવિધાન અને સહુનો સાથ સહુનો વિકાસ બાબતે વિસ્તૃત સમજ આપી હતી, તેમજ કોરોના મહામારી માટે તાલીમાર્થીઓને વકતાઓ દ્વારા સવિશેષ ધ્યાન આપવા અને કોવિડ-૧૯ની ગાઈડ લાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા અને યોગ્ય પગલા લેવા તમામને આહવાન કર્યું. કાર્યક્રમમાં હાજર તમામને માસ્કનું વિતરણ અને સેનેટાઈઝર અર્પણ કરવામાં આવ્યું હતું. નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદની સુચના અને માર્ગદર્શન હેઠળ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સ જાળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે લાઈવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી શીતલબેન ભરૂચ દ્વારા આભાર દર્શન પ્રસ્તુત કરી કાર્યક્રમની સમાપ્તી કરવામાં આવી હતી. આ પ્રસંગે રિસોર્સ પર્સન આર.આઈ. ગોહિલ, ગીતાબેન સોલંકી, મીનાબેન પુરોહિત વગેરેએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.