ભરૂચ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ખાનગી કંપનીને માત્ર દોઢ લાખના વાર્ષિક ભાડે આપી દેવાયો

(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૭
ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા માટે ધારાસભ્યો સાંસદો અને જિલ્લા કલેકટરની વિવેકાધી ગ્રાન્ટમાંથી રૂા.ર કરોડ ૩૭ લાખના માતબર ખર્ચે નર્મદા નદી કિનારે ઉભો કરાયેલો નર્મદા પાર્ક ભ્રષ્ટાચારના ભોરીંગમાં અટવાઈ જવા પામ્યો છે. અત્યંત ચોકાવનારી બાબત એ છે કે પાંચ વર્ષથી શરૂ કરાયેલા નર્મદા પાર્કમાં પ્રથમ ત્રણ વર્ષ ડુડા એટલે કે જિલ્લા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પાર્કનું સંચાલન કરાયું હતું. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ વર્ષમાં પ્રતિ વર્ષ સરકારને ફી પેટે રૂા.૩૦થી ૩પ લાખનો ચોખ્ખો નફો સરકારી તિજોરીમાં જમા થતો હતો જો કે ૩ વર્ષ બાદ અચાનક જિલ્લા વહીવટી તંત્રના તત્કાલીન કલેકટર અંતર્ગત ચાલતા ડુડા વિભાગ દ્વારા માત્ર દોઢ લાખ રૂપિયાના વાર્ષિક ભાડા પેટે રાજકીય દબાણ કે અન્ય કોઈ કારણવશ એકવા અજીકા રીવરફન પ્રા.લિ. નામી ખાનગી કંપનીને માત્ર એક જ ટેન્ડરના આધારે આખે આખો પાર્ક ભાડા પટ્ટે આપી દેવાયો હતો જેના પગલે સરકારી તિજોરીમાં વાર્ષિક ૩૦થી ૩પ લાખના બદલે માત્ર રૂા. દોઢ લાખની છેલ્લા બે વર્ષમાં આવક થતા સરકારને સીધે સીધુ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીના સંચાલક દ્વારા નર્મદા પાર્કમાં દારૂની મેહફીલો અને વ્યભિચારનો અડ્ડો બનાવી દેવાની વારંવારની લોક ફરિયાદો સાથે સાથે પાર્કનો બ્રિજ દોઢ વર્ષ અગાઉ તૂટી જવાના પગલે લાખો રૂપિયાના રમતગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા હોય તકનો લાભ ઉઠાવી ખાનગી સંચાલક દ્વારા નિયમોને નેવે મૂકી તગડી પ્રવેશ ફી વસૂલી ખાણી-પીણીના લારી-ગલ્લા પાર્કની અંદરના ભાગે ઉભા કરી લાખો રૂપિયાના ભાડા વસૂલી પ્રાઈવેટ રાઈડસ ઉભી કરી તગડી કમાણી કરવામાં આવી રહી છે. ખાનગી રાઈડસને પ્રોત્સાહિત આપવા સંચાલક દ્વારા માત્ર રૂા.રપ કે પ૦ હજારના ખર્ચે તૈયાર થઈ શકનાર એન્ટ્રી પણ બનાવવામાં આવતી નથી જયારે કે ડુડા સાથે ખાનગી કંપનીના એગ્રીમેન્ટ અન્વયે રૂા. ૧૦ લાખ ડેવલપમેન્ટ પેટે ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ બે વર્ષમાં આવો કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧પમી જુન ર૦૧૮ના રોજ ખાનગી કંપનીનું એગ્રીમેન્ટ પૂર્ણ થઈ રહેલ છે. ત્યારે જિલ્લા કલેકટર ઉપરાંત ભરૂચ જિલ્લાના બાહોશ ધારાસભ્યો દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા તથા સાંસદ મનસુખ વસાવા સરકારી તિજોરીને થતા લાખોના નુકસાનને અટકાવી નર્મદા પાર્કમાં ખાનગીકરણનું ગ્રહણ હટાવે તે ભરૂચની પ્રજાના તથા સરકારના હિતમાં અનિવાર્ય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts