ભાજપના તમામ હોદ્દેદારોએ ચૂંટણીના ઉમેદવારો કરતાંયે વધુ પરિશ્રમ કર્યો

અમદાવાદ, તા.૧૬
આજરોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાની ઉપસ્થિતિમાં વિધાનસભા ચૂંટણી વ્યવસ્થા બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે ચૂંટણી વ્યવસ્થા સમિતિની આજની આ બેઠકમાં કાર્યકર્તાઓને આ ચૂંટણી દરમિયાન દરેક તબક્કે મહત્વની કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ૧૮મી તારીખે થનાર મતગણતરીમાં ચૂંટણી એજન્ટો ઉત્સાહપૂર્વક ભાગ લે અને તમામ પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમાં મદદરુપ બને તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હાર ભાળી ગઈ છે, મતદાનના પ્રથમ તબક્કાના પહેલા જ કલાકમાં તેમણે ઇવીએમને ભાંડવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસે હારને બચાવતા શીખવું જોઇએ. કાર્યકર્તાઓથી માંડીને પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો કરતાય વધુ પરિશ્રમ કર્યો છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણીના બધા જ તબક્કામાં ભાજપ આગળ હતું. ઉમેદવારોની યાદી ભાજપે કોંગ્રેસ કરતા વહેલી બહાર પાડી, પ્રચાર પ્રસારમાં પણ ભાજપ કોંગ્રેસ કરતા અનેક ગણો આગળ હતો. પેજપ્રમુખ જેવી માઇક્રો મેનેજમેન્ટ કામગીરીના કારણે ભાજપ તરફી મતદાન કરાવવામાં પણ ભાજપ ખુબ આગળ હતું અને ૧૮મી ડિસેમ્બર આવનાર પરિણામોમાં પણ ભાજપા ખુબ વધારે બેઠકો સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે સૌ વિનમ્રતા સાથે તમામ પ્રક્રિયાને પૂર્ણ કરીએ અને પરિણામો પછી વિનમ્રતા સાથે સકારાત્મક વાતાવરણમાં વિજયોત્સવ ઉજવીએ. વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓના ચહેરા પરથી નૂર ઉતરી ગયું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks