ભાજપના પીઢ નેતા પ્રશાંત પટેલનું નામ બસપાના ઉમેદવાર તરીકે જાહેર થતાં ભડકો

(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર, તા.૩૧
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીને લઈ નગરનો રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય ક્ષેત્રે રોજેરોજ નવા સમીકરણો બદલાતા નજર આવે છે તો હવે ભાજપના એક પીઢ નેતા પ્રશાંત પટેલનું નામ વોર્ડ નં.૨માંથી બસપાના ઉમેદવાર તરીકે જાહેર થતાં ભાજપમાં ભડકો થયો છે. પ્રશાંત પટેલ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપાના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યો હતો. જેમાં ૨૦૧૩થી ૨૦૧૬ સુધી સંગઠનમાં નગર પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે તો તેની સાથે ભાજપાના અનેક હોદ્દાઓ ઉપર પણ કામગીરી કરી છે. શહેર ભાજપમાં પ્રશાંત પટેલ ભાજપના માથા તરીકે ગણાતો રહ્યો છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં માત્ર પ્રશાંત પટેલ જ નહિ પરંતુ મહિલા મોરચાના પણ ભાજપમાં પાયાની ગણાતી એવા મહિલા સદસ્યોના નામ પણ બસપાએ જાહેર કરેલ યાદીમાં આવ્યા છે ત્યારે છોટાઉદેપુરમાં ભાજપામાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપથી નારાજ પ્રશાંત પટેલે ગત વિધાનસભાની ચૂંટણીથી પોતાની અને સાથે અન્ય જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોઈ પગલું ભર્યું હોવાનું રાજકીય વિશ્ચલેષકો માની રહ્યા છે. ૧૭મી ફેબ્રુઆરીએ યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે બસપા પક્ષ પણ મુખ્ય ભૂમિકામાં હોઈ આ ત્રિપાખિયા જંગમાં કોણ બાજી મારે છે એ તો આવનારો સમય બતાવશે. હાલ બસપાએ વોર્ડ નં.૨ના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રશાંત પટેલ, નેહાબેન જયસ્વાલ, શ્વેતાબેન ચૌહાણ, અને ગાયત્રીબેન રાઠવાના નામ જાહેર થયા છે. બસપાએ વોર્ડ નં.૭ અને ૨ એમ બે વોર્ડના ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે ભાજપ, કોંગ્રેસે અત્યાર સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી અને નામો નક્કી કરવાની બેઠકોના દૌર ચાલી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks