ભાજપના મંત્રીઓને ઈશારે કોંગી ધારાસભ્યોનું ઉશ્કેરણી કરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
ગુજરાત વિધાનસભામાં આજે તોફાન અને મારામારીનો જે કલંકિત બનાવ બન્યો છે તે દુઃખદ હોવાનું જણાવતા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં ટ્રેઝરી બેંચ (સરકારના મંત્રીઓ)ના ઈશારે કોંગ્રેસના સભ્યોને ઉશ્કેરવાનું પ્રિ-પ્લાન ષડયંત્રનોે અમારા બે સભ્યો ભોગ બન્યા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર જ ઈચ્છે છે કે ગૃહના અધ્યક્ષ સામેની અમારા દ્વારા રજુ કરાયેલી દરખાસ્ત પર ગૃહમાં ચર્ચા થાય. ભાજપ દ્વારા વિપક્ષને દબાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો દ્વારા અમારા સભ્યોને હરેન પંડયા જેવી હાલત થશે તેવી ગૃહમાં ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો જગદીશ પંચાલ તથા હર્ષ સંઘવી સહિતની ટીમ ટ્રેઝરી બેંચના ઈશારે એક સપ્તાહથી અમારા આ નવા સભ્યોને ગાળો ભાંડી ટીખળો કરી સતત ઉશ્કેરણી કરતા હતા અને તે અંગે અમારી પાર્ટીની મીટિંગમાં ફરિયાદો પણ તેઓએ કરી હતી. ભાજપનું વર્તન યોગ્ય નથી, અધ્યક્ષ મંત્રીમંડળની રચના વખતે ભાજપ સામે નારાજ હતા તેનો બદલો લેવા અધ્યક્ષ વિરૂદ્ધની અમારી અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થાય તે માટે જ કોંગ્રેસને ઉશ્કેરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા સમગ્ર વિરોધ પક્ષને સસ્પેન્ડ કરવાનું ષડયંત્ર રચાયું હતું. સમગ્ર બનાવ અંગેની વીડિયો સીડી મંગાવી અધ્યક્ષ તપાસી લે અને ગૃહની કાર્યવાહીનું લોકસભા-રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ થાય જેથી પ્રજા વિધાનસભાની કાર્યવાહી નિહાળી સાચી હકીકતો જાણી શકે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આસારામ આશ્રમમાં શિવાને પ્રધાનમંત્રી બનાવવા માટે બે બાળકોના તાંત્રિક વિધિથી મોત નિપજાવવાના પ્રશ્ને તપાસ પંચ નીમવામાં આવ્યું હતું તેનો અહેવાલ રજૂ કરવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. સરકાર પક્ષે યોગ્ય જવાબ આપવાને બદલે ગોળ-ગોળ જવાબો અને વિપક્ષને ઉદ્દેશીને અન્ય ભૂતકાળના બનાવોની ચર્ચા તેમજ ગુસ્સાપૂર્વક અન્ય મુદ્દા બોલીને મૂળ વિષય ઉપર પડદો પાડવાની કોશિષ થતાં આ પ્રશ્ને દરમિયાનગીરી કરવા ઊભા થઈને પ્રશ્ન ઉઠાવવો પડ્યો હતો. પરંતુ ટ્રેઝરી બેંચને આ બાબત ગમી ન હતી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો. તેની સામે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તેમને કોઈકના ઈશારે બોલવાની તક અપાતી નથી તેવો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવતાં ભાજપના ધારાસભ્યોની હોહા સાથે તેમનો પોઈન્ટ ઓફ ઓર્ડર મંજૂર કરવામાં આવ્યો નહોતા. ગૃહમાં થયેલ હોહો વચ્ચે ભાજપના ધારાસભ્યો જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પ્રતાપ દૂધાત અને અંબરીશ ડેરને હલકી ગાળો બોલી, વ્યક્તિગત અપમાનજનક ઉચ્ચારણો અને ધમકીઓ આપી કોંગ્રેસ પક્ષની બેન્ચીસ તરફ આગળ વધતાં આ બનાવ બન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ૮થી ૯ ધારાસભ્યોએ અને ભાજપ સરકારના એક મંત્રીએ મારી હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને ઢીકા-પાટુનો માર માર્યો હતો. જેમાં વચ્ચે પડીને તેઓને છોડાવ્યા હતા તે વાત અધ્યક્ષે ધ્યાને લેવી જોઈતી હતી. પરંતુ અધ્યક્ષે ભાજપના કોઈ સભ્ય સામે પગલાં લીધા ન હતા જે આશ્ચર્યજનક ઘટના છે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts