જવાબદાર મંત્રી શહીદના જનાઝાને કાંધ આપવાના બદલે પત્ની સાથે વેલેન્ટાઈન્સ-ડે મનાવતા રહ્યા : ભારે ટીકા
(એજન્સી) પટણા, તા.૧૪
કાશ્મીરમાં શહીદ થયેલા મુઝાહિદખાનની જ્યારે બિહારના આરા જિલ્લાના પીરો ગામમાં દફનવિધિ થઈ ત્યારે ત્યાં બિહાર સરકારનો કોઈ મંત્રી ફરક્યો સુધ્ધાં ન હતો. આના કારણે ભાજપના સાથી નીતિશકુમારની સરકારની તીવ્ર ટીકા થઈ છે અને અસદુદ્દીન ઓવૈસીએ તો આ અંગે સવાલ પણ ઉઠાવ્યા છે. આ મામલાએ ભારે ગરમાવો પકડતા જેડીયુએ કબૂલવું પડયું છે કે બિહાર સરકારથી આ બાબતે ચૂક થઈ છે. જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગીએ કહ્યું છે કે, શહીદની અંતિમવિધિમાં સામેલ ન થવું એ દુઃખદ ચૂક છે જેનો તેમને અફસોસ છે. કે.સી.ત્યાગીએ કહ્યું કે, જ્યારે કોઈ શહીદનું પાર્થિવ શરીર ઘરે પહોંચે છે. ત્યારે કમસે કમ મંત્રી કક્ષાની વ્યક્તિએ ત્યાંં શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહેવું જોઈએ. પણ મુઝાહિદખાનની બાબતે આવું થયું નથી જેનો એમને અફસોસ છે, પણ આ માનવીય ચૂક છે અને તેઓ અને તેમનો પક્ષ શહીદને નમન કરે છે. ઉલ્લેખનીય છે કે શહીદ મુઝાહિદખાનનો પરિવાર તેમની અંતિમવિધિમાં કોઈપણ મંત્રીના સામેલ ન થવાથી એટલો આઘાત પામ્યો છે કે તેણે સરકાર તરફથી મળેલું પાંચ લાખ રૂપિયાનું વળતર લેવાનો પણ ઈન્કાર કરી દીધો. બીજી તરફ મુઝાહિદખાનનું શબ જ્યારે એમના ગામડે પહોંચ્યું ત્યારે બિહાર સરકારના ખાણમંત્રી વિનોદસિંહ પોતાના જિલ્લાના ભોજપુરમાં હાજર ન હતા. આ દરમ્યાન તેઓ કટિહાર સ્થિત પોતાના ઘરે પત્ની સાથે વેલેન્ટાઈન-ડે મનાવી રહ્યા હતા. સોશ્યલ મીડિયા પર વિનોદસિંહની પોતાની પત્ની નિશાસિંહની સાથે વેલેન્ટાઈન-ડે મનાવતી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ પત્ની સાથે સ્મિત ફરકાવતા ઉભા છે અને એમના હાથમાં ગુલાબનું ફૂલ છે તેમની આવી તસવીરો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે.