ભાજપના સ્વર્ગમાં ભૂકંપ : હાથીની શક્તિથી સજ્જ સમાજવાદી ‘સાયકલે’ યોગી આદિત્યનાથના કમળને ગોરખપુર, ફૂલપુરમાં કચડી નાંખ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં મળેલા પરાજય બદલ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, તેઓ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ વચ્ચે થયેલી ભાગીદારીને સમજવામાં નિષ્ફળ ગયા હતા. બિહારની પેટાચૂંટણીમાં પણ લાલુપ્રસાદનો પક્ષ વિજય થયો હતો. આ માટેના દસ પોઈન્ટ નીચે મુજબ છે.
૧. ગોરખપુર લોકસભાની પેટાચૂંટણીમાં પરાજય યોગી માટે પીછેહટ સમાન છે કેમ કે આ બેઠક પ્રતિષ્ઠાવાળી હતી તેમજ આ બેઠક પર યોગીએ પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે આ બેઠક પર ગત ચૂંટણી કરતાં પણ જંગી મતોથી વિજયનો દાવો કર્યો હતો.
ર. ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામો હંમેશાથી એક મોટો રાજકીય સંદેશો આપનારા રહ્યા છે. અખિલેશે જણાવ્યું હતું કે, આ બેઠક મુખ્યમંત્રીની હતી અહીં પરાજય દર્શાવે છે કે, લોકોમાં કેટલો રોષ છે. જો અહીં આવી હાલત હોય તો રાજ્યની અન્ય બેઠકોની શું સ્થિતિ હશે.
૩. માયાવતી અને અખિલેશની ભાગીદારીનો પ્રયોગ સફળ નિવડ્યો. ર૦૧૯ની સામાન્ય ચૂંટણી અગાઉ આ મહત્ત્વપૂર્ણ પ્રયોગ હતો.
૪. ગોરખપુર તથા ફૂલપુર બેઠક પર અખિલેશ અને માયાવતી વચ્ચે સમજૂતી થઈ હતી. ચાલુ માસ બાદ યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં હવે સમાજવાદી પાર્ટી બીએસપીને સમર્થન કરશે.
પ. શું આ ગઠબંધન ર૦૧૯ની ચૂંટણીમાં પણ જારી રહેશે તેવું પૂછાતાં અખિલેશે ‘‘થોભો અને રાહ જુઓ’’ની નીતિ અપનાવાનું જણાવ્યું હતું.
૬. ગોરખપુરથી સમાજવાદી પાર્ટીના પ્રવિણ કુમાર નિશાદનો વિજય થયો હતો. આ બેઠક પર અગાઉ ત્રણ ટર્મથી યોગીના માર્ગદર્શક મહંત અવેદયનાથનો વિજય થતો હતો. ત્યારબાદ પાંચ ટર્મથી યોગી આદિત્યનાથનો વિજય થતો હતો. ફૂલપુરથી સપાના નરેન્દ્ર પ્રતાપસિંહ પટેલનો વિજય થયો હતો.
૭. બિહારમાં અરેરિયા લોકસભા બેઠક લાલુની પાર્ટી રાજદના ફાળે ગઈ હતી તેમજ જહાનાબાદ વિધાનસભા બેઠક પર પણ રાજદે કબજો જમાવ્યો હતો. ભાજપે ભાબુઆ બેઠક મેળવી હતી.
૮. બિહારના ચૂંટણી પરિણામો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ત્યાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે લાલુ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાણ કર્યું જેથી બિહારમાં નીતિશના આ નિર્ણયને નજર સમક્ષ રાખી મતદારોએ મતદાન કર્યું હતું. નીતિશે ભાજપ સાથે જોડાવવાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
૯. ભ્રષ્ટાચારના આરોપમાં લાલુ જેલમાં છે ત્યારે પેટા ચૂંટણીના પ્રચારની કમાન તેમના પુત્ર તેજસ્વી યાદવે સંભાળી હતી. આ ચૂંટણી તેજસ્વીના નેતૃત્ત્વની પણ પરીક્ષા સમાન હતી.
૧૦. ગોરખપુર બેઠક પરથી ભાજપ કરતાં સપા સવારથી જ આગળ ચાલતી હતી ત્યારે જિલ્લા કલેકટર રાજીવ રૂતેલાએ મીડિયાને મતગણતરી સ્થળ સુધી પહોંચતા અટકાવ્યું હતું જેથી રાજકીય વિવાદ સર્જાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts