(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
ભાજપની કેન્દ્રની એનડીએ સરકારમાં નાણાં મંત્રી રહી ચૂકેલા અને તાજેતરમાં મોદી સરકાર સામે જીએસટીના મુદ્દે સવાલો ઉઠાવનાર ફાયરબ્રાન્ડ નેતા યશવંતસિંહા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જીએસટી અને નોટબંધી મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહારો કરનાર યશવંતસિંહા કોંગ્રેસ સમર્થિત એનજીઓ (બિનસરકારી સામાજિક સંસ્થા)ના કાર્યક્રમ માટે ફાયદાની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. કોઈપણ જાતના વિચાર કે સમજ-બૂજ વિના નોટબંધી લાગુ કરી હજારોનો જીવ લીધા બાદ હવે વડાપ્રધાન કઈ વાતનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છો ? તેવો સવાલ ઉઠાવનાર યશવંતસિંહાની આગામી ગુજરાતની મુલાકાતને લઈ રાજ્યમાં રાજકીય ગરમાવો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહા નવેમ્બર માસમાં ત્રણ દિવસ માટે ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદની મુલાકાત લઈ વેપારીઓ-ઉદ્યોગપતિઓ સાથે જીએસટી તથા નોટબંધી સહિતના મુદ્દે સંવાદ કરશે. તેમના આ કાર્યક્રમે હમણાંથી જ ઉત્સુકતા જગાવી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે એક પછી એક અગ્રણી નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓની આ મુલાકાત ચૂંટણીને લઈને સૂચક મનાય છે.
પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા ૧૪ નવેમ્બરથી ૩ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત એનજીઓ લોકશાહી બચાવ અભિયાન હેઠળ આયોજીત થઇ રહી છે કે જેને કોંગ્રેસનું સમર્થન છે. તેમની આ મુલાકાત કોંગ્રેસ માટે લાભદાયી બને તેવી શકયતા છે કારણ કે તાજેતરમાં તેેમણે કેન્દ્રની મોદી સરકાર ઉપર આર્થિક પરિસ્થિતિને લઇને તીખા પ્રહારો કર્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ પણ તાજેતરમાં રાજકોટ આવ્યા હતા અને તેમણે જીએસટી મામલે રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે વાતચીત કરી હતી. હવે યશવંત સિંહા પોતાની આ સુચિત મુલાકાત દરમિયાન રાજકોટ, અમદાવાદ અને સુરતના વેપારીઓ સાથે વાતચીત કરશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે પી.ચિદમ્બરમની જેમ યશવંત સિંહાની મુલાકાત પણ કોંગ્રેસના બેનર હેઠળ નહી હોય. જયારે યશવંત સિંહા અને ચિદમ્બરમ જેવા લોકો બીનરાજકીય પ્લેટફોર્મ પર બોલતા હોય છે તો એ તેમના વિચારો દર્શાવતા હોય છે. આ કાર્યક્રમ અનુસાર યશવંત સિંહા ૧૪મીએ અમદાવાદમાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં અને ૧પમીએ રાજકોટમાં અરવિંદભાઇ મણીયાર હોલમાં પ્રવચન આપશે. અત્રે એ નોંધનીય છે કે આ પહેલા જીએસટીની ટીકા કરતા યશવંત સિંહાએ કહ્યું હતું કે, જયારે અમે એટલે કે ભાજપ વિપક્ષમાં હતા ત્યારે સરકાર ઉપર ટેકસ ટેરેરીઝમ અને રેડ રાજનો આરોપ મૂકતા હતા. તેમણે કહ્યું હતું કે, આજે જે ચાલી રહ્યુ છે તે પણ ટેરેરીઝમ જ છે. જીએસટી ગુડ એન્ડ સીંપલ ટેકસ બની શકત પરંતુ સત્તામાં બેઠેલા લોકોએ તેને બેડ એન્ડ કોમ્પ્લીકેટેડ ટેકસ બનાવી દીધો.