તા.૩
અફઘાનિસ્તાન સામે રમાનારીT20આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ શ્રેણી માટે ટીમ સિલેક્શન પહેલા ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું અને આશરે ૫ વર્ષ બાદ ટીમના દરવાજા ખુલશે તેવી અટકળો સેવાઈ રહી હતી. જો કે, પસંદગીકારોએ ક્રૃણાલ પંડ્યાને નજરઅંદાજ કરીને ટીમમાંથી બાદ રાખ્યા છે. ભારતીય ટીમમાં જગ્યા ન મળ્યા બાદ હાર્દિક પંડ્યાના ભાઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હાલ ખૂબ વાઇરલ થઈ રહી છે. ક્રૃણાલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “આશા હજુ પણ જીવંત છે”IPL ૨૦૨૬ની સીઝનમાં ક્રૃણાલ પંડ્યાએ પોતાની જૂની બેટિંગ અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં વાપસીની મજબૂત આશા જગાવી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આઈપીએલ ખિતાબ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ક્રૃણાલે ૯ ઇનિંગ્સમાં ૩૭.૬૬ની સરેરાશ અને ૧૪૫.૮૦ ના સ્ટ્રાઇક રેટથી ૨૨૬ રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી અને ૭૩ રનનો શ્રેષ્ઠ સ્કોર સામેલ હતો. આ સિવાય બોલિંગમાં પણ તેણે ૩૦.૩૫ની સરેરાશથી ૧૪ વિકેટ ઝડપી હતી, જેમાં ૨/૧૬ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. ક્રૃણાલ પંડ્યાએ ભારત માટે છેલ્લે વર્ષ ૨૦૨૧માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે ભારત તરફથી ૫ વન-ડે મેચોની ૪ ઇનિંગ્સમાં ૬૫.૦૦ની એવરેજ અને ૧૦૧.૫૬ના સ્ટ્રાઇક રેટથી ૧૩૦ રન બનાવ્યા છે. જેમાં ૫૮ રનનો શ્રેષ્ઠ સ્કોર અને ૨ વિકેટ સામેલ છે. જ્યારેT20આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે ૧૯ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ૧૦ ઇનિંગ્સમાં ૨૪.૮૦ની સરેરાશથી ૧૨૪ રન બનાવ્યા છે અને ૩૬.૯૩ની એવરેજથી ૧૫ વિકેટ ઝડપી છે. પસંદગીકારોએ અફઘાનિસ્તાન સામેનીT20I શ્રેણી માટે કપ્તાનીમાં ટીમની ઘોષણા કરી છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ, નિતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાનું રમવું ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે.