(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
પીએનબી કૌભાંડ અંગે કોંગ્રેસે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન તાક્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો છે કે, નીરવ મોદી કૌભાંડ અંગે સરકારને જાણકારી હતી અને સરકારે નીરવ મોદીના શેરબાજારમાં લાગેલા નાણા અંગે આંખ આડા કાન કર્યા હતા. તેમણે પુછ્યું હતું કે, જ્વેલરી કંપનીનું જેટલું માર્કેટ કેપ છે તેનાથી બે ગણી લોન બેંકોએ આ કંપનીઓને કેવી રીતે આપી દીધી ? કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બેંકોમાંથી કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે. માર્કેટ કેપિટલથી બે ગણી લોન કેવી રીતે આપી દેવાઇ. વડાપ્રધાન અને નાણા પ્રધાનને કૌભાંડની જાણકારી હતી. સરાકારને ખબર હતી કે દેશને લૂંટવામાં આવી રહ્યો છે. ચોકીદાર સૂઇ ગયો છે અને ચોર ભાગી ગયો. લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ટુજી કોઇ કૌભાંડ નહોતું.
બીજી તરફ નીરવ મોદીના સગા મેહૂલ ચોકસીની ગીતાંજલિ કંપનીમાં એમડી રહેલા સંતોષ શ્રીવાસ્તવે કહ્યું છે કે, પીએમઓ સુધી તેમણે આ મામલે ફરિયાદ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે અલાહાબાદ બેંકના પૂર્વ નિર્દેશકે કહ્યું કે, યુપીએ સરકાર આ કૌભાંડને રોકી શકી હોત. ઉલ્લેખનીય છે કે, આ મામલે અત્યારસુધી નીરવ મોદીની ૫૭૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. અને પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોકુલનાથ શેટ્ટી પર ગેરંટી વિના લોન પાસ કરવાનો આરોપ છે. બીજી તરફ નીરવ ગ્રૂપના હેમંત ભટ્ટ અને પીએનબી બેંકના એક કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ત્રણેયને સીબીઆઇની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.