ભારતમાં “બુરખા” પર પ્રતિબંધની માંગ ઠુકરાવતું મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામી

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
બુરખા અને હિજાબ અંગે જારી વિવાદ વચ્ચે દેશની અગ્રણી મુસ્લિમ સંસ્થા જમાતે ઈસ્લામી હિન્દે બુરખા પર પ્રતિબંધની માંગ ઠુકરાવતાં જણાવ્યું હતું કે, ભારતની મુસ્લિમ મહિલાઓ ધર્મના આદેશ મુજબ હિજાબ પહેરવાનું ચાલુ રાખશે અને અસામાજિક તત્ત્વોની આ માગણી પૂરી નહીં થાય. શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો બાદ બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ભારતમાં આ અંગે ઈરાદાપૂર્વક ચર્ચા શરૂ થઈ હતી. જમાતના પ્રમુખ સૈયદ સાદાતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે, આ માંગ માત્ર બિનલોકશાહી જ નથી પણ સાથે તેમાં કોઈ “લોજિક” પણ નથી; ઉપરાંત આવી માંગ ભારતીય બંધારણ પ્રમાણે મળેલા મૂળભૂત અધિકારોની પણ વિરૂદ્ધ છે. જમાતે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોને વખોડ્યા હતા.

ઈસ્લામમાં ‘નકાબ’ ફરજિયાત નથી : કેરળ મરકઝુદ્દાવાનો મત

કેમ્પસમાં નકાબ અથવા ચહેરાને ઢાંકતા કોઈપણ વસ્ત્ર પહેરવા પર મનાઈ ફરમાવતા કેરળની મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટીના નિર્ણય અંગે લોકોના મિશ્ર પ્રતિસાદ સાંપડ્યા હતા. તમિલનાડુની તૌહીદ જમાત (ટીએનટીજે)ના મહાસચિવ અબ્દુલ રહીમે આ નિર્ણયને આવકારતાં દાવો કર્યો હતો કે, મુસ્લિમ મહિલાઓને ચહેરો કે હાથ ઢાંકવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે, ત્રાસવાદને ધર્મથી જોડી શકાય નહીં. ટીએનટીજે શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટો વિરૂદ્ધ પ્રદર્શન કરી ત્રાસવાદ સામે સૂત્રો પોકાર્યા હતા. કેરળની અગ્રણી મુસ્લિમ સંસ્થા કેરળ નદવાતુલ મુજાહિદ્દીન (મરકઝુદ્દાવા)એ જણાવ્યું હતું કે, આ નિર્ણય અંગે વિવાદ થવો જોઈએ નહીં. કેમ કે સંસ્થાના મત મુજબ ઈસ્લામમાં મહિલાઓ માટે ચહેરો ઢાંકવો ફરજિયાત નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts