કોરોનાના કારણે હાલ નિયમિત સેવા શરૂ કરવામાં આવી નથી ત્યારે
રેલવે મંત્રાલય અને રાજ્યો વચ્ચે વધુ ટ્રેનો શરૂ કરવા ચર્ચા ચાલી રહી છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ભારતીય રેલવેના મુસાફરો માટે એક સારા સામચાર પ્રાપ્ત થયા છે. વધુ ટ્રેનો દોડાવાની જોવાતી રાહનો હવે અંત આવશે. આગામી સમયમાં ભારતીય રેલવે દ્વારા વધુ કેટલીક સ્પેશયલ ટ્રેનો ચલાવાશે. રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વધુ ટ્રેનો દોડાવવા અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે. વર્તમાન કોરોના મહામારીના કારણે રેલવે દ્વારા યાત્રીઓ માટે કેટલીક શ્રમિક સ્પેશયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. કોવિડ-૧૯ના કારણે ટ્રેન સેવાઓ રદ્ કરવામાં આવી છે ત્યારે હાલ દેશમાં માત્ર ૨૩૦ જેટલી ટ્રેનો જ દોડી રહી છે. કોરોનાના કારણે રેલવેના મુસાફરો માટે મહામારીના નિયમોનું પાલન અને માસ્ક પહેરવું ફરજીયાત છે. કોરોના લોકડાઉન બાદ હાલ દેશમાં ગણતરીની ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારે રેલવેના એ.સી કોચના મુસાફરોને અપાતા ઓશિકા, ટુવાલ સહિતની સવલતો બંધ રાખવામાં આવી છે. જો કે આ સુવિધા ક્યારથી શરૂ કરાશે તે અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ પણ બંધ છે માત્ર પેકડ ફૂડની જ મંજૂરી આપવામાં આવી છે. એકવાર નિયમિત રીતે ટ્રેન સેવા સ્થાપિત થયા બાદ આ તમામ સેવાઓને પણ પરવાનગી આપવામાં આવશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે ચર્ચા બાદ દેશમાં ૨૩૦ શ્રમિક ટ્રેનોને મંજૂરી આપી હતી અને આ સાથે રેલવે સ્ટેશનો પર પણ કોરોના સામે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.