ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૧૦ ઓગસ્ટથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ૮૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી,તા.૩૧
સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે, તેમના દીકરાએ ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. મસ્તિક સર્જરી પહેલાં તેમનું કોરોના વાઇરસનું પરિક્ષણ કરાયું હતું, જે પૉઝિટિવ આવ્યું હતું. સર્જરી પહેલાં તેમણે જાતે ટ્‌વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમના પુત્રએ ટિ્‌વટ કરતા લખ્યું છે કે, ભારે હ્રદય સાથે તમને જણાવી રહ્યું છું કે મારા પિતા પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. આરઆર હોસ્પિટલના ડોક્ટરો અને દેશવાસીઓની પ્રાર્થના અને દુવા છતાં તેમનું નિધન થયું છે. તમારા બધાનો આભાર. પાંચ દાયકાથી લાંબી પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રણવ મુખરજીએ લગભગ બધું જ મેળવી લીધું હતું. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખરજીને કોઈ એક ખાસ શ્રેણીમાં મૂકવા કાઠું છે. જો તેઓ રાજનાયક હતા તો અર્થશાસ્ત્રીના તરીકે પણ ઓળખાતા હતા. શરૂઆતમાં તેઓ શિક્ષક પણ રહ્યા અને પત્રકાર પણ. તેઓ સરંક્ષણમંત્રી પણ રહ્યા અને નાણામંત્રી પણ. પ્રણવ મુખરજી ભારતીય બૅન્કોની સમિતિથી લઈને વર્લ્ડ બૅન્કના બૉર્ડના સભ્ય પણ રહ્યા. તેમના નામે લોકસભાની અધ્યક્ષતા પણ રહી અને કેટલીક સરકારી સમિતિઓની પણ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા પ્રણવદાનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો અને તેઓ દેશના ૧૩માં રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા ૨૨ જૂલાઈ, ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા. મનમોહિન સિંઘની બીજી સરકારમાં શ્રીમાન મુખર્જી ભારતના નાણાં પ્રધાન બન્યા, અગાઉ ૧૯૮૦માં તેઓ આ પદ સંભાળી ચૂક્યા હતા. જુલાઈ ૬, ૨૦૦૯ એ તેમણે સરકારનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે ઘણા કરમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઇએ કે,તેમને ૨૦૧૯માં સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રણવ મુખરજીના નિધનને પગલે ૭ દિવસનો રાષ્ટ્રીય શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી
સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયા પછી દેશમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે ૩૧થી ૬ ઓગસ્ટ દરમ્યાન પૂર્વ રાષ્ટ્રપતિને શ્રધ્ધાંજલિ આપવા માટે દેશભરમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રણવ મુખરજીના નિધન પર દુઃખ વ્યકત કરતા કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના અવસાન અંગે સાંભળી હૃદયને આઘાત લાગ્યો તેમનું નિધન એક યુગનો અંત છે. હું શ્રી પ્રણવ મુખરજીના પરિવાર, મિત્રો અને દેશવાસીઓ પ્રત્યે ઉંડી સંવેદના વ્યકત કરૂ છું જાહેર જીવનમાં એક વિરાટ કદ પ્રાપ્ત કરનાર પ્રણવ દા’એ એક સંતની જેમ ભારતમાતાની સેવા કરી હતી. આ વિલક્ષણ સપૂત માટે સમગ્ર રાષ્ટ્ર શોકાતૂર છે.

 

“ઉચ્ચ કોટિના વિદ્વાન અને મુત્સદ્દી” : વડાપ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનની જાહેરાતના થોડી મિનિટો પછી વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, આ તેમનું સદ્‌ભાગ્ય છે કે વર્ષ ર૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી તેમના માટે દિલ્હી નવું શહેર હતું ત્યારે તેમને પ્રણવ મુખરજીનું સમર્થન અને માર્ગદર્શન મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું હતું કે, “સમગ્ર દેશ ભારત રત્ન પ્રણવ મુખરજીના નિધનથી શોકમાં છે. તેમણે દેશની વિકાસ યાત્રામાં પોતાની આગવી છાપ છોડી છે. તે એક ઉત્કૃષ્ટ કોટિના વિદ્વાન અને મુત્સદ્દી હતા જેમને દરેક રાજકીય તેમજ સામાજિક વર્ગ તરફથી પ્રશંસા મળતી હતી.” વડાપ્રધાન એક અન્ય ટ્‌વીટમાં કહ્યું હતું કે, તેમણે રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવ્યું હતું. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બીજા અનેક રાજકીય નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks