ભારત-શ્રીલંકા ટેસ્ટ : ૨૩ વર્ષના માનવ સુથારે રચ્યો ઈતિહાસ

તા.ર૦
શ્રીલંકા સામે ગોલમાં રમાયેલી ટેસ્ટમાં ભારતીય યુવા સ્પિનર માનવ સુથારે ઇતિહાસ રચ્યો છે. તેણે માત્ર ૧૩૧ રનમાં ૧૦ વિકેટ ઝડપી, જે શ્રીલંકાની ધરતી પર કોઈપણ ભારતીય બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે, તે શ્રીલંકામાં ૧૦ વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો. ભારતની ૧૬૫ રનની જીતમાં તેનું યોગદાન મહત્ત્વનું રહ્યું.
શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં ભારતીય યુવા સ્પિનર માનવ સુથારે પોતાની શાનદાર બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની કારકિર્દીની માત્ર બીજી જ ટેસ્ટ મેચ રમી રહેલા માનવ સુથારે ૧૦ વિકેટ ઝડપીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શ્રીલંકાના ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની સ્પિન બોલિંગ સામે યજમાન ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ભારતની ૧૬૫ રનની ભવ્ય જીતમાં માનવ સુથારનું યોગદાન સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.માનવ સુથારે ગોલ ટેસ્ટ મેચમાં કુલ ૧૩૧ રન આપીને ૧૦ વિકેટ મેળવવામાં સફળતા મેળવી છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૭૬ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં માત્ર ૫૫ રન આપીને ૬ વિકેટ પોતાના નામે કરી હતી. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તે શ્રીલંકાની ધરતી પર કોઈપણ ટેસ્ટ મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બની ગયો છે.આ અગાઉ વર્ષ ૨૦૦૮માં હરભજન સિંહે અને ૨૦૧૫માં રવિચંદ્રન અશ્વિને ગોલના મેદાન પર ૧૦ વિકેટ ઝડપી હતી. વર્ષ ૨૦૦૮માં હરભજન સિંહે ૧૦ વિકેટ લેવા માટે ૧૫૩ રન ખર્ચ્યા હતા, જ્યારે ૨૦૧૫માં આર. અશ્વિને ૧૬૦ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી. માનવ સુથારે માત્ર ૧૩૧ રન આપીને આ સિદ્ધિ મેળવતાં તે આ બંને દિગ્ગજ ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે.શ્રીલંકામાં એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ લેનારો માનવ સુથાર હવે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. પોતાની બીજી જ ટેસ્ટ રમી રહેલા આ યુવા ખેલાડીના પ્રદર્શનને જોઈને તેને ભારતીય ક્રિકેટ ટીમનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી સૌથી વધુ વખત (૮-૮ વાર) ૧૦ વિકેટ હોલ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે અને આર. અશ્વિનના નામે છે, જ્યારે હરભજન સિંહે ૫ વાર અને રવીન્દ્ર જાડેજાએ ૩ વાર આ સિદ્ધિ મેળવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks