ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૩૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

  • ૧૯ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ જ્યારે ૭૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ
  • તાપીના વાલોદમાં સવા પાંચ ઈંચ ખાબક્યો • રાજ્યના સાત બંદરો પર ૩ નંબરનું સિગ્નલ

અમદાવાદ, તા.૯

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને છેલ્લા કેટલાય દિવસોથી મેઘો ખોટી પાડી રહ્યો છે. જો કે ધીમે-ધીમે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે કે કયાંક મધ્યમ તો ક્યાંક ધીમીધારે  તો વળી કયાંક ઝાપટા સ્વરૂપે છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં ભારેથી મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી સામાન્ય વરસાદ એકાદ સપ્તાહ દરમ્યાન નોંધાયો છે. જો કે આગામી સપ્તાહમાં પણ વરસાદનું જોર જોવા મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. શનિવારથી રવિવાર દરમ્યાન શનિવારે દિવસે અને રાત્રે તેમજ રવિવારના રોજ દિવસ દરમ્યાનના સમયગાળામાં છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો રાજ્યના ર૩૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ તાપીના વાલોદમાં સવા પાંચ ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે આણંદ શહેરમાં પોણા પાંચ ઈંચ તો ખેડાના કપડવંજમાં ૪.પ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના મહુધા અને મહેમદાવાદમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ જ્યારે ૧૯ તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતાં વધુ તો રાજ્યના ૩ર તાલુકાઓમાં ર ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૭૦ તાલુકાઓમાાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન એક ઈંચ કરતા  વધુ વરસાદ નોંધાયો છે જયારે રવિવારે દિવસ દરમ્યાન મોરબીના માળિયા તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે દિયોદરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, ઉના, ભાવનગર રાજુલા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા સહિત રાજયમાં અનેક સ્થળોએ વરસાદ થયાના અહેવાલો સાંપડયા છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ૩ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કેમ કે આ વરસાદ કપાસ મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઈ સહિતના પાકો માટે ફાયદાકારક છે બીજી તરફ પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જયારે આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને પગલે દરીયાકાંઠાના સાત બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જયારે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks